Hindenburg 2.0: હિંડનબર્ગ બાદ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP) નામની વૈશ્વિક સંસ્થાએ ગૌતમ અદાણી ગ્રૂપ પર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. OCCRP રિપોર્ટ અનુસાર, પ્રમોટર પરિવારના બિઝનેસ પાર્ટનર્સે મોરેશિયસ સ્થિત "અનામી" રોકાણ ફંડ દ્વારા અદાણી ગ્રુપના શેરમાં લાખો ડોલરનું રોકાણ કર્યું હતું.
OCCRPએ અહેવાલમાં જણાવ્યું હતું કે તેની તપાસમાં ઓછામાં ઓછા બે કેસ મળ્યાં છે જેમાં "અનામી" રોકાણકારોએ આવા ઑફશોર સ્ટ્રક્ચર્સ દ્વારા અદાણી ગ્રૂપના શેરની ખરીદી અને વેચાણ કર્યું હતું. જોકે, અદાણી જૂથે આ આરોપોને સદંતર ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, OCCRPને અબજોપતિ જ્યોર્જ સોરોસ અને રોકફેલર બ્રધર્સ ફંડ જેવી સંસ્થાઓ પાસેથી ફંડિંગ મળે છે. જ્યોર્જ સોરોસ એ જ અબજોપતિ છે જે સમયાંતરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા રહે છે.
હિંડનબર્ગ જેવા જ આરોપ લગાવ્યા
નોંધનીય છે કે, જાન્યુઆરીમાં અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે પણ આવા જ આરોપ લગાવ્યા હતા. હિંડનબર્ગે કહ્યું હતું કે, અદાણી ગ્રૂપે શેલ કંપનીઓ દ્વારા શેરનો ગેરઉપયોગ કર્યો હતો. આ સિવાય ઓડિટ અને દેવા સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ આ જૂથ ઘેરાયેલું હતું. અદાણી ગ્રૂપે હિંડનબર્ગના દાવાઓને ગેરમાર્ગે દોરનારા અને પુરાવા વિના ગણાવ્યા અને કહ્યું કે તેણે હંમેશા કાયદાનું પાલન કર્યું છે.
હિંડનબર્ગ રિપોર્ટમાં પણ પણ મોરેશિયસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અદાણી જૂથે મોરેશિયસમાં હાજર શેલ કંપનીઓ દ્વારા શેરોની હેરાફેરી કરી હતી. જો કે, મોરેશિયસના ફાયનાન્સિયલ સર્વિસ મિનિસ્ટરે સંસદમાં જણાવ્યું હતું કે, દેશમાં અદાણી ગ્રૂપની શેલ કંપનીઓની હાજરીનો આક્ષેપ કરતો હિંડનબર્ગ રિપોર્ટ ખોટો અને પાયાવિહોણો છે. અદાણી ગ્રૂપના કેસ અંગે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અત્યાર સુધી આ પ્રકારનું કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું નથી.
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપને થયું હતું ભારે નુકસાન
જો કે, હિંડનબર્ગના રિપોર્ટ્સની અદાણી જૂથને કિંમત ચૂકવવી પડી હતી. જૂથના તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ કેપમાં $150 બિલિયનનો ઘટાડો થયો હતો. તાજેતરના મહિનામાં કેટલાક દેવું ચૂકવ્યા પછી અને કેટલાક રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવ્યા બાદ સુધારા પછીની રિકવરી જોવા મળી છે.
તે જ સમયે, અહેવાલ પછી, ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો થયો હતો અને તે ટોચના 25 અબજપતિઓની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. ભારતીય સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેબી હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ટૂંક સમયમાં થશે.
