Form 16 શું છે અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે તે કેમ અનિવાર્ય છે? જાણો સંપૂર્ણ વિગત

ફોર્મ 16 એ એક મહત્વપૂર્ણ આવકવેરા પ્રમાણપત્ર છે, જે દર વર્ષે કંપની અથવા એમ્પ્લોયર દ્વારા પોતાના કર્મચારીઓને પૂરું પાડવામાં આવે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 05 Aug 2026 11:33 AM (IST)Updated: Wed, 05 Aug 2026 11:33 AM (IST)
what-is-form-16-and-why-is-it-important-for-itr-filing
ફોર્મ ૧૬

Form 16: દર વર્ષે નાણાકીય વર્ષ પૂરું થયા બાદ અને ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની મોસમ શરૂ થતાં જ નોકરીયાત વર્ગમાં એક શબ્દ સૌથી વધુ ચર્ચામાં આવે છે ‘ફોર્મ 16’ (Form 16). નોકરીયાત વર્ગ માટે આ માત્ર એક કાગળ નથી, પરંતુ તેમની આખી સાલની કમાણી અને ચૂકવેલા ટેક્સનું એક અધિકૃત રિપોર્ટ કાર્ડ છે.

ફોર્મ 16 શું છે?

ફોર્મ 16 એ એક મહત્વપૂર્ણ આવકવેરા પ્રમાણપત્ર છે, જે દર વર્ષે કંપની અથવા એમ્પ્લોયર દ્વારા પોતાના કર્મચારીઓને પૂરું પાડવામાં આવે છે. જ્યારે કોઈ કંપની તેના કર્મચારીને પગાર આપે છે, ત્યારે આવકવેરાના નિયમો મુજબ તેમાંથી TDS (Tax Deducted at Source) એટલે કે ઉદ્ગમ સ્થાનેથી ટેક્સ કાપીને સરકારમાં જમા કરાવે છે. ફોર્મ 16 એ વાતનો કાનૂની પુરાવો છે કે કંપનીએ તમારા પગારમાંથી ટેક્સ કાપ્યો છે અને તેને નિયમસર સરકારના ખાતામાં જમા પણ કરાવી દીધો છે.

ફોર્મ 16 ના બે મુખ્ય ભાગ

આ પ્રમાણપત્ર મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત હોય છે:

  • 1) Part A): આ ભાગમાં કર્મચારીનું નામ, સરનામું, PAN નંબર તેમજ કંપનીની વિગતો અને TAN નંબર આપેલો હોય છે. આ ઉપરાંત નાણાકીય વર્ષના દરેક ત્રિમાસિક ગાળામાં (Quarterly) કંપનીએ કર્મચારીના પગારમાંથી કેટલો TDS કાપ્યો અને સરકારમાં જમા કર્યો તેની સત્તાવાર વિગતો હોય છે.
  • 2) Part B: આ ભાગ કર્મચારીના પગારની સંપૂર્ણ ગણતરી દર્શાવે છે. જેમાં બેસિક સેલેરી, HRA, વિવિધ એલાઉન્સિસ, ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ મળતી કપાત અને છૂટછાટો (જેમ કે સેક્શન 80C, 80D વગેરે) અને અંતે તમારી કુલ ટેક્સેબલ આવક (Taxable Income) ની ગણતરી દર્શાવવામાં આવે છે.

 

ફોર્મ 16 ક્યારે મળે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે?

આવકવેરા વિભાગના નિયમો અનુસાર, કંપનીઓએ દર વર્ષે 15 જૂન સુધીમાં અગાઉના નાણાકીય વર્ષ માટે પોતાના કર્મચારીઓને ફોર્મ 16 ઇશ્યૂ કરવાનું હોય છે.

મુખ્ય ઉપયોગો:

 

  1. ITR ફાઈલ કરવા માટે: નોકરીયાત વર્ગ માટે ચોક્કસ અને ભૂલરહિત ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે આ સૌથી જરૂરી દસ્તાવેજ છે.
  2. લોન અને ક્રેડિટ કાર્ડ મેળવવા: હોમ લોન, પર્સનલ લોન કે કાર લોન લેતી વખતે બેંકો તમારી આવકના સત્તાવાર પુરાવા તરીકે ફોર્મ 16 ની માંગણી કરે છે.
  3. વિઝા પ્રક્રિયા: વિદેશ પ્રવાસ કે વર્ક વિઝા માટે અરજી કરતી વખતે નાણાકીય ક્ષમતા દર્શાવવા માટે પણ આ ડોક્યુમેન્ટ ઉપયોગી થાય છે.