PM Vidyalaxmi Yojana 2026: દેશના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી શરૂ કરાયેલી 'પીએમ-વિદ્યા લક્ષ્મી યોજના' સફળતાના નવા શિખરો સર કરી રહી છે. આ યોજનાના ડિજિટલ પોર્ટલે લોન્ચ થયાના માત્ર એક વર્ષમાં જ 3.31 લાખથી વધુ શિક્ષણ લોન અરજીઓને મંજૂરી આપી છે, જેના અંતર્ગત કુલ ₹7,229.4 કરોડની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, 25 ફેબ્રુઆરી, 2025 ના રોજ શરૂ થયેલા આ પોર્ટલ પર અત્યાર સુધીમાં 6,51,974 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.
શું છે પીએમ-વિદ્યા લક્ષ્મી યોજના?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મેરિટના આધારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (QHEIs) માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને કોઈપણ ગેરંટર કે કોલેટરલ (મિલકત ગીરો રાખ્યા) વગર લોન ઉપલબ્ધ કરાવવાનો છે. રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) હેઠળ માન્યતા પ્રાપ્ત દેશની ટોચની 860 સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકાર દ્વારા વર્ષ 2024 થી 2031 સુધીના ગાળા માટે ₹3,600 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો લાભ વાર્ષિક 22 લાખ વિદ્યાર્થીઓને મળશે.
વ્યાજ સબસિડીના આકર્ષક લાભો
યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની પારિવારિક આવક મુજબ વ્યાજમાં મોટી રાહત આપવામાં આવે છે:
- જે પરિવારોની વાર્ષિક આવક ₹4.5 લાખ સુધી છે, તેવા વિદ્યાર્થીઓને લોન પર 100% વ્યાજ સબસિડી મળે છે.
- જે પરિવારોની વાર્ષિક આવક ₹4.5 લાખથી ₹8 લાખની વચ્ચે છે, તેમને ₹10 લાખ સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી આપવામાં આવે છે.
- સરકાર ₹7.5 લાખ સુધીની લોન પર 75% ક્રેડિટ ગેરંટી પૂરી પાડે છે, જેથી બેંકો સરળતાથી લોન મંજૂર કરી શકે.
પારદર્શક પ્રક્રિયા અને સીધો લાભ
આ યોજના હેઠળ વ્યાજ સબસિડીની રકમ સીધી લાભાર્થીના ખાતામાં ઇ-વાઉચર અથવા CBDC (સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી) વોલેટ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ડિજિટલ અભિગમ લોન પ્રક્રિયાને અત્યંત ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવે છે.
અરજી કરવાની રીત
શિક્ષણ લોન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સત્તાવાર પોર્ટલ pmvidyalaxmi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોર્ટલ દેશની તમામ મુખ્ય બેંકો સાથે સંકલિત હોવાથી વિદ્યાર્થીઓએ અલગ-અલગ બેંકોના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી.
