Policy Rates News: નીતિ વિષયક દરો અંગે RBIના નિર્ણયથી દેશમાં 40 અબજ ડોલરનું રોકાણ આવે તેવી શક્યતા:SBI

SBI Research તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે આ સંભવિત મૂડીગત પ્રવાહને લીધે ડોલરની તુલનામાં રૂપિયો સુધરીને 92-93 લેવલ સુધી પહોંચી શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 05 Jun 2026 11:05 PM (IST)Updated: Fri, 05 Jun 2026 11:06 PM (IST)
rbis-decision-on-policy-rates-is-likely-to-bring-in-40-billion-dollar-in-investment-in-india-says-sbi-research-report

RBI Policy Rates:ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (MPC)ના તાજેતરના નિર્ણયથી દેશમાં 40 અબજ ડોલર સુધીનો કેપિટલ ઈન્ફ્લો (Capital Inflow) જોવા મળી શકે છે. SBI Research તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે આ સંભવિત મૂડીગત પ્રવાહને લીધે ડોલરની તુલનામાં રૂપિયો સુધરીને 92-93 લેવલ સુધી પહોંચી શકે છે. અહેવાલ પ્રમાણે મધ્યસ્થ બેંક ઓગસ્ટની MPCની બેઠકમાં વ્યાજ દરોને સ્થિર રાખી શકે છે.

ઓગસ્ટ મહિનામાં રેપો દર સ્થિર રહી શકે છે

SBI Research અહેવાલ પ્રમાણે RBI મોંઘવારીના આંકડાનું વિશ્લેષણ કરવાનું જાળવી રાખશે અને વ્યાજ દરોમાં સંભવિત ફેરફાર કરવા અંગે તેના આધારે નિર્ણય લઈ શકે છે. અહેવાલ પ્રમાણે બજારની અપેક્ષાથી વિપરીત આર્થિક વિકાસ સાથે સંકળાયેલ વ્યાજ દરોમાં આક્રમક વધારો થવાની અસરને અટકાવી શકે છે. તેને પગલે ઓગસ્ટની નાણાં નીતિમાં નીતિવિષયક દરોમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા ઓછી જણાય છે.

શું કહે છે ઉદ્યોગજગતના નિષ્ણાતો

શિવાલિક ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર તરલ શાહના મતે RBIએ નીતિ વિષયક દરોને લઈ આર્થિક વિકાસને વેગ આપવા તથા મોંઘવારીના દબાણને અસરકારક રીતે અંકુશમાં રાખી સંતુલન કેળવ્યું છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે વ્યાજ દરો નહીં વધારવાનો નિર્ણય ઘણો મહત્વનો છે. વર્તમાન સમયમાં રિયલ એસ્ટેટ સેક્ટર સપ્લાઈ સંબંધિત પડકારોનો સામનો કરવા ઉપરાંત ઊંચા ઊર્જા ખર્ચ, ઊંચી ઈનપુટ કોસ્ટની સ્થિતિનો સામનો કરી રહેલ છે.આ સંજોગોમાં વ્યાજ દર નહીં વધારવાનો નિર્ણય ઘરખરીદવા ઈચ્છતા લોકો માટે અર્થપૂર્ણ છે.

ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ અને ગણેશ હાઉસિંગ લિમિટેડના MD અને CEO શેખર પટેલે જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટના દૃષ્ટિકોણથી વ્યાજ દર શાસનમાં સાતત્ય ખાસ કરીને ભારતભરના ઉભરતા વિકાસ બજારો માટે પ્રોત્સાહક છે જે માળખાગત સુવિધા, ઉદ્યોગ અને જ્ઞાન-આધારિત ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણો આકર્ષે છે. સ્થિર ધિરાણ પરિસ્થિતિ રહેણાંકને લગતી માંગ અને વાણિજ્યિક રિયલ એસ્ટેટ પ્રવૃત્તિ બંનેને ટકાવી રાખવામાં મદદ કરે છે અને વ્યાપક શહેરી વિકાસને ટેકો આપે છે.

સ્વારા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે ડેવલપર્સ વધતા બાંધકામ ખર્ચ અને આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે RBIનો રેપો રેટ જાળવવાનો નિર્ણય હાઉસિંગ ક્ષેત્ર માટે ખૂબ જ જરૂરી સ્થિરતા પ્રદાન કરે છે. ખાસ કરી મધ્ય પૂર્વમાં ભૂરાજકીય સ્થિતિ સર્જાઈ છે તેને લીધે કોમોડિટીના ભાવ અને બાંધકામ ખર્ચ પર દબાણ લાવ્યું છે. આ વાતાવરણમાં સ્થિર ધિરાણ દરો ઘર ખરીદનારાઓ અને ડેવલપર્સ બંનેને વિશ્વાસ આપે છે. અમદાવાદ જેવા શહેરોમાં મકાનોની માંગની સ્થિતિ સારી છે ત્યારે અનુમાનિત વ્યાજ દરનું વાતાવરણ ખરીદદારોની ભાવનાને ટેકો આપશે અને વેચાણની ગતિ જાળવી રાખવામાં મદદ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે આ અને આર્થિક વિકાસના દરને લગતા અંદાજને 30 બેસિસ પોઈન્ટ વધારી 6.6 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે ફુગાવાનો અંદાજ 50 બેસિસ પોઇન્ટ સુધારી તેને 5.1 ટકા કર્યો છે.