TCS Q4 Results: દેશની અગ્રણી ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT) કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ 9મી એપ્રિલના ચોથા ત્રિમાસિક ગાળા-Q4 FY26ના પરિણામો જાહેર કર્યાં છે. Tata Groupની સૌથી મોટી કંપનીનું એકંદરે પર્ફોમન્સ બજાર અંદાજને અનુરૂપ રહ્યું છે.
સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન TCSનો ચોખ્ખો નફો રૂપિયા 10,657 કરોડથી 29 ટકા વધી રૂપિયા 13,718 કરોડ થયો છે. જ્યારે આવક રૂપિયા 67,087 કરોડથી વધી રૂપિયા 70,698 કરોડ રહી છે. આમ આવકમાં એકંદરે 5 ટકા વૃદ્ધિ થઈ છે.
કંપનીનું સંચાલકીય પર્ફોમન્સ કેવું રહ્યું
TCSનું EBIT રૂપિયા 17,870 કરોડ રહ્યું છે,જે બજાર ધારણા કરતાં થોડુ વધારે છે. આ કંપનીએ કોન્સ્ટેન્ટ કરન્સીમાં 1.2 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. આ બાબત દર્શાવે છે કે કંપનીએ વૈશ્વિકસ્તરે જે અનિશ્ચિતતા પ્રવર્તિ રહી છે તેમ છતાં ધીમે ધીમે ગ્રોથને જાળવી રાખ્યો છે.
ડિવિડન્ડની જાહેરાત
TCSએ તેના શેરધારકોને શેરદીઠ રૂપિયા 31 ફાઈનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. અલબત કંપની તરફથી અંતિમ ડિવિડન્ડને લઈ કોઈ રેકોર્ડ ડેટ નક્કી કરી નથી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)ખાતે TCSના શેરનો ભાવ રૂપિયા 30.80 એટલે કે 1.20 ટકા ઉછળી રૂપિયા 2,590 રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેરનો ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 20 ટકા ગગડી ગયો છે. કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂપિયા 9.36 કરોડ છે.
