Who is Alexandr Wang: નવી દિલ્હીમાં આયોજિત 'AI ઇમ્પેક્ટ સમિટ 2026' ના ચોથા દિવસે ટેકનોલોજી જગતના અનેક દિગ્ગજો એકઠા થયા છે. આ સમિટમાં સુંદર પિચાઈ અને સેમ ઓલ્ટમેન જેવા મોટા નામની વચ્ચે 29 વર્ષીય એલેક્ઝાન્ડર વાંગ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાંગ હાલમાં મેટા (Meta) ના ચીફ AI ઓફિસર તરીકે કાર્યરત છે અને તેઓ વિશ્વના સૌથી યુવા સ્વનિર્મિત અબજપતિઓમાંના એક છે.
ભારત પર્સનલ સુપરઇન્ટેલિજન્સનું નવું કેન્દ્ર
એલેક્ઝાન્ડર વાંગે સમિટ દરમિયાન જણાવ્યું હતું કે મેટા માટે ભારત વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દેશ છે. તેમણે એક આશ્ચર્યજનક વિગત આપી કે અમેરિકા કરતા પણ વધુ કન્ઝ્યુમર AI કંપનીઓ અત્યારે ભારતમાં કાર્યરત છે. ભારતમાં મેટા પ્લેટફોર્મના 50 કરોડથી વધુ યુઝર્સ હોવાથી, 'પર્સનલ સુપરઇન્ટેલિજન્સ' ને મોટા પાયે વિસ્તારવા માટે ભારત એક અનન્ય સ્થળ છે. વાંગના મતે ભારત હવે માત્ર એક માર્કેટ નથી, પરંતુ AI નું આગામી મોટું પરીક્ષણ કેન્દ્ર બની રહ્યું છે.
શું છે આ પર્સનલ સુપરઇન્ટેલિજન્સ?
વાંગે મેટાના સ્થાપક માર્ક ઝકરબર્ગના વિઝનને આગળ ધપાવતા કહ્યું કે હવે AI સિસ્ટમ માત્ર સર્ચ કરવા પૂરતી મર્યાદિત નહીં રહે. આગામી સમયમાં આ સિસ્ટમ યુઝર્સ માટે 24 કલાક સતત કાર્યરત રહેશે, તેમના લક્ષ્યોને સમજશે અને તેમના વતી જરૂરી પગલાં પણ લેશે. આ પર્સનલ AI એજન્ટો સીધા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા લોકપ્રિય એપ્સ સાથે જોડાયેલા હશે, જેથી યુઝર્સને અભ્યાસ, નોકરી કે વ્યવસાયમાં સીધી મદદ મળી શકે.
એલેક્ઝાન્ડર વાંગની સફળતાની સફર
ચીની મૂળના વૈજ્ઞાનિક માતા-પિતાના સંતાન એવા વાંગનો જન્મ મેક્સિકોમાં થયો હતો. તેમણે 2016 માં માત્ર 19 વર્ષની ઉંમરે MIT માંથી અભ્યાસ છોડીને 'Scale AI' નામની કંપની શરૂ કરી હતી. તેમની કંપનીએ એનવીડિયા (NVIDIA), એમેઝોન અને મેટા જેવી મોટી કંપનીઓને AI ડેટા પૂરો પાડીને ટૂંક સમયમાં જ મોટી સફળતા મેળવી. જૂન 2025 માં મેટાએ સ્કેલ AI માં 14.3 અબજ ડોલરનું રોકાણ કરીને 49% હિસ્સો ખરીદ્યો અને વાંગને મેટામાં સુપરઇન્ટેલિજન્સ લેબ્સના વડા તરીકે નિયુક્ત કર્યા. ફેબ્રુઆરી 2026 સુધીમાં વાંગની નેટવર્થ અંદાજે 3.2 અબજ ડોલર આંકવામાં આવી છે.
AI ના ચાર મુખ્ય સ્તંભો
સમિટને સંબોધતા વાંગે ભારપૂર્વક જણાવ્યું કે AI ની ક્ષમતાનો સંપૂર્ણ લાભ લેવા માટે ચાર મુખ્ય સ્તંભો - ટેલેન્ટ (પ્રતિભા), એનર્જી (ઉર્જા), ડેટા અને કમ્પ્યુટ - ને વિકસાવવા માટે સરકાર અને ઉદ્યોગ જગતે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ એવી ટેકનોલોજી બનાવવા માંગે છે જે દરેકની જરૂરિયાત મુજબ અલગ હોય અને ભારત જેવી અનન્ય પડકારો ધરાવતી સોસાયટી માટે ઉપયોગી સાબિત થાય.
