Ambaji Poonam List 2026: હિંદુ ધર્મમાં પૂનમ (પૂર્ણિમા) નું અનેરું ધાર્મિક મહત્વ રહેલું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર પૂનમે લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. ઘણા શ્રદ્ધાળુઓ દર પૂનમે અંબાજી મંદિરમાં દર્શન કરવા અથવા પગપાળા યાત્રા કરવાની બાધા રાખતા હોય છે. ખાસ કરીને ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીમાં ભવ્ય મેળો યોજાય છે, જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભક્તો પગપાળા સંઘ સાથે માતાજીના દર્શન કરવા પહોંચે છે.
પૂનમના દિવસે સવારથી લઈને રાત સુધી અંબાજી મંદિર પરિસર અને સમગ્ર વાતાવરણ 'બોલ માડી અંબે' ના જયઘોષથી ગુંજી ઉઠે છે. જો તમે પણ વર્ષ 2026માં અંબાજી મંદિરના દર્શન અથવા ભાદરવી પૂનમના પવિત્ર મેળામાં જોડાવાનું આયોજન કરી રહ્યા છો, તો અહીં વર્ષ 2026ની તમામ પૂનમની તારીખોની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે.
વર્ષ 2026 માટે અંબાજી પૂનમની યાદી
| તારીખ | દિવસ | પૂનમનું નામ |
| 3 જાન્યુઆરી, 2026 | શનિવાર | પોષ પૂનમ (પોષી પૂનમ / શાકંભરી પૂનમ) |
| 1 ફેબ્રુઆરી, 2026 | રવિવાર | માઘ પૂનમ (માઘી પૂનમ) |
| 3 માર્ચ, 2026 | મંગળવાર | ફાલ્ગુન પૂનમ (ફાગણ પૂનમ) |
| 2 એપ્રિલ, 2026 | ગુરુવાર | ચૈત્ર પૂનમ (ચૈત્રી પૂનમ) |
| 1 મે, 2026 | શુક્રવાર | વૈશાખ પૂનમ (બુદ્ધ પૂનમ) |
| 31 મે, 2026 | રવિવાર | જ્યેષ્ઠા અધિક પૂનમ |
| 29 જૂન, 2026 | સોમવાર | જ્યેષ્ઠા પૂનમ |
| 29 જુલાઈ, 2026 | બુધવાર | અષાઢ પૂનમ (ગુરુ પૂનમ) |
| 27 ઓગસ્ટ, 2026 | ગુરુવાર | શ્રાવણ પૂનમ (નારિયેળી પૂનમ) |
| 28 ઓગસ્ટ, 2026 | શુક્રવાર | શ્રાવણ પૂનમ (રક્ષાબંધન) |
| 26 સપ્ટેમ્બર, 2026 | શનિવાર | ભાદ્રપદ પૂનમ (ભાદરવી પૂનમ) |
| 25 ઓક્ટોબર, 2026 | રવિવાર | આસો પૂનમ (શરદ પૂનમ / કોજાગરી પૂનમ / રાસ પૂનમ) |
| 26 ઓક્ટોબર, 2026 | સોમવાર | આસો પૂનમ (શરદ પૂનમ / કોજાગરી પૂનમ / રાસ પૂનમ) |
| 24 નવેમ્બર, 2026 | મંગળવાર | કાર્તિક પૂનમ (કારતક પૂનમ) |
| 23 ડિસેમ્બર, 2026 | બુધવાર | માર્ગશીર્ષ પૂનમ (માગશર પૂનમ) |
અંબાજી પૂનમની યાદી 2026

ભાદરવી પૂનમનો મહામેળો
અંબાજીમાં દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મેળો ગુજરાતના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંનો એક છે. વર્ષ 2026 માં ભાદરવી પૂનમ 26 સપ્ટેમ્બરના રોજ આવે છે. આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને, હાથમાં ધજાઓ લઈને અંબાજી પહોંચે છે
અંબાજી શક્તિપીઠનું ધાર્મિક અને વિશેષ મહત્વ
પુરાણોમાં વર્ણવ્યા અનુસાર, અંબાજી એ જગતજનની માં અંબેનું પવિત્ર ધામ છે. પૌરાણિક માન્યતા મુજબ, જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે દેવી સતીના પાર્થિવ દેહના ટુકડા કર્યા હતા, ત્યારે તેમનું પવિત્ર 'હૃદય' આ આરાસુરની ભૂમિ પર પડ્યું હતું. આથી જ અંબાજીને શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને ભક્તોમાં માં અંબે પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેલી છે.
વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ
દર પૂનમે અને ખાસ કરીને ભાદરવી પૂનમના દિવસે ઉમટતી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સજ્જ રહે છે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે રાજ્ય સરકાર, શ્રી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ભક્તો માટે રહેવા, જમવા, પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ, ઈ-રિક્ષા અને સરળ દર્શનની વ્યવસ્થા માટે તંત્ર તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ ખડેપગે કાર્યરત રહે છે.
