Ambaji: શક્તિપીઠ અંબાજી બનશે 'વેડિંગ ડેસ્ટિનેશન', મા અંબેના આશીર્વાદ સાથે યુગલો કરી શકશે ‘રોયલ વેડિંગ’; જાણો માસ્ટર પ્લાન

ગુજરાત સરકાર દ્વારા પસંદ કરાયેલા પસંદગીના 10 મુખ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં અંબાજીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 03 Aug 2026 08:31 AM (IST)Updated: Mon, 03 Aug 2026 08:31 AM (IST)
ambaji-shakti-peeth-dream-wedding-destination-couples-tourism-news
ambaji shakti peeth

Ambaji Wedding Destination: દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી હવે એક નવી ઓળખ ધારણ કરવા જઈ રહ્યું છે. ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના માસ્ટર પ્લાન મુજબ, હવે મા અંબેના ધામમાં પવિત્ર મંત્રોચ્ચાર સાથે "ડ્રીમ વેડિંગ" પણ યોજી શકાશે.

પ્રીમિયમ કપલ્સ માટે નવી પસંદગી

ગુજરાત સરકારના નવા અભિગમ હેઠળ અંબાજીને રાજ્યના પસંદગીના 10 મુખ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખાસ કરીને NRI અને પ્રીમિયમ કપલ્સને આકર્ષવાનો છે, જેથી તેઓ ધાર્મિક પવિત્રતા સાથે શાહી સંસ્કૃતિ અનુભવી શકે. 

ખાસ કન્સલ્ટન્ટ તૈયાર કરશે 'રોડમેપ'

અંબાજી લગ્ન આયોજનો માટે કેટલું તૈયાર છે, તેની ચકાસણી કરવા માટે સરકાર ખાસ કન્સલ્ટન્ટની નિમણૂક કરશે. આ કન્સલ્ટન્ટ વિવિધ બાબતોનું મૂલ્યાંકન કરીને ડેસ્ટિનેશન રેડીનેસ ઈન્ડેક્સ (DRI) તૈયાર કરશે:

  • વેન્યુ એનાલિસિસ: લગ્ન યોજી શકાય તેવા સ્થળો અને તેની ક્ષમતાનું મેપિંગ.
  • એકોમોડેશન: હોટેલ, રિસોર્ટ અને VIP સ્યુટ્સની ઉપલબ્ધતા.
  • કનેક્ટિવિટી: એરપોર્ટ, રેલવે અને હાઈવેની સુવિધાનું મૂલ્યાંકન.
  • લોકલ સપોર્ટ: કેટરર્સ, ડેકોરેટર્સ અને ફોટોગ્રાફર્સનું પ્રોફાઈલિંગ.
  • સરકારી મંજૂરી: પોલીસ NOC, ફાયર સેફ્ટી અને પરમિશન પ્રક્રિયા.

સ્થાનિક રોજગારીને પણ મળશે વેગ

જો આ યોજના સફળ થશે, તો અંબાજી અને આસપાસના વિસ્તારોમાં હોટલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ અને ઈવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે રોજગારીનું બમ્પર સર્જન થશે. લગ્ન આયોજકોને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે તે માટે સરકાર સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ લાવવા અંગે પણ ગંભીરતાથી વિચારી રહી છે.

ગુજરાતના ટોપ વેડિંગ ડેસ્ટિનેશન્સ

અંબાજી ઉપરાંત ગુજરાતના અન્ય નવ સ્થળોને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે:

  1. અમદાવાદ: હેરિટેજ લુક અને આધુનિક ફાઈવ સ્ટાર હોટલ.
  2. વડોદરા: ગાયકવાડી રાજવી ઠાઠ અને શાહી મહેલો.
  3. સ્ટેચ્યુ ઓફ યુનિટી: વિશ્વના સૌથી ઊંચા સ્મારક સાનિધ્યે આધુનિક રિસોર્ટ.
  4. કચ્છ: સફેદ રણ અને અનોખી લોકસંસ્કૃતિ.
  5. સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ નજીક દરિયા કિનારાનું વાતાવરણ.
  6. દ્વારકા: દરિયાકિનારાના રમણીય વાતાવરણ સાથે ધાર્મિક પવિત્રતા.
  7. ગીર: નેચર અને વાઈલ્ડ લાઈફ લવર્સ માટે એડવેન્ચર વેડિંગ.
  8. ગાંધીનગર: શાંત અને હરિયાળી ધરાવતા ઓપન પ્લોટ, વિશાળ રિસોર્ટ્સ.
  9. રાજકોટ: સૌરાષ્ટ્રની મહેમાનગતિ, રોયલ વેન્યૂઝ અને કાઠિયાવાડી સંસ્કૃતિ.

આમ, મા અંબેનું આશીર્વાદ ધરાવતું અંબાજી હવે આસ્થાની સાથે-સાથે યાદગાર લગ્ન પ્રસંગો માટે પણ વિશ્વભરમાં જાણીતું બનશે. આ સમગ્ર યોજનાના અભ્યાસ અને રિપોર્ટ માટેની સમયસીમા વધારીને હવે 4 મહિના કરવામાં આવી છે.