Chaitar Vasava Extortion Case: ચૈતર વસાવાને રાહતના વિરોધમાં સરકારની ઉગ્ર રજૂઆત, હાઈકોર્ટે સુનાવણી સોમવાર સુધી ટાળી

વન કર્મી પર હુમલાના કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાને મળેલી 7 વર્ષની સજાને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. હાઈકોર્ટે સરકાર અને અરજદારની દલીલો સાંભળીને સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 08:24 PM (IST)Updated: Fri, 07 Aug 2026 08:24 PM (IST)
aap-mla-chaitar-vasava-extortion-case-gujarat-high-court-hearing-adjourned

Chaitar Vasava Extortion Case: આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન કર્મી પર હુમલો કરવાના કેસમાં ફટકારેલી 7 વર્ષની સજા મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારનો પક્ષ અને સરકારની દલીલો બાદ હાઈકોર્ટે સમગ્ર મામલે સોમવાર સુધી સુનાવણી મુલતવી રાખી છે.


હકીકતમાં ચૈતર વસાવાએ ડેડિયાપાડા કોર્ટના સજાના હુકમને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે બે દિવસ પૂર્વે ચૈતર વસાવા તરફથી હાજર રહેલા વકીલ આઈ.એચ. સૈયદ દ્વારા સજા પર સ્ટે મૂકવા તેમજ નીચલી અદાલતના હુકમને રદ્દ કરવા માટે રજૂઆત કરી હતી. જે બાદ આજે સરકાર એડવોકેટ મિતેશ અમીને કોર્ટ સમક્ષ સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.

ચૈતર વસાવા દ્વારા વન કર્મીઓને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું

સરકારનો પક્ષ રજૂ કરી રહેલા વકીલ મિતેશ અમીને ચૈતર વસાવાને રાહત આપવાનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે, વનવિભાગના કર્મચારીઓ સરકારી ફરજના ભાગરૂપે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. ચૈતર વસાવાએ વન કર્મીનો કોલર પકડીને મારામારી કરી હતી. આટલું જ નહીં, પોતાની ફરજ બજાવી રહેલા વનકર્મીઓને ડરાવવા માટે હથિયાર મંગાવીને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.

AAP MLAના ઈશારે વન કર્મી પાસેથી ખંડણી વસૂલવામાં આવી

સરકાર તરફથી ચૈતર વસાવાના પીએની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં રજૂઆત કરાઈ હતી કે, ચૈતર વસાવાના અંગત સહાયક (PA) દ્વારા કેટલાક વન કર્મીઓને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. તેમજ તેમની પાસેથી 60 હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા.

એક ફોરેસ્ટ ઑફિસર દ્વારા તેમના બેંક ખાતામાંથી 60 હજાર રૂપિયા ઉપાડીને આ રકમ ખંડણી તરીકે આપવામાં આવી હતી. આ કામગીરી ચૈતર વસાવાના ઈશારે કરવામાં આવી હતી.

પાક નુકસાન મુદ્દે વન કર્મીઓ પાસેથી જે રકમ માંગવામાં આવી, તે વળતરની રકમ નહતી, પરંતુ ખંડણી હતી. આ સમગ્ર મામલે સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.