Ahmedabad News: ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે AMCની કાર્યવાહી, 3 એકમો સીલ કરયા, 64 એકમોને નોટિસ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉત્તર પશ્ચિમ ઝોને તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ન્યુસન્સ ફેલાવતા એકમો, શાકભાજીના ફેરિયા, પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 05 May 2026 07:39 PM (IST)Updated: Tue 05 May 2026 07:39 PM (IST)
ahmedabad-amc-seals-3-units-fines-64-for-garbage-and-banned-plastic-use-743472

Ahmedabad News: અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોનમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ધંધાકીય એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી કરી છે. હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા 3 વ્યાપારી એકમોને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે 64 એકમો પાસેથી કુલ 45,100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ન્યુસન્સ ફેલાવતા એકમો, શાકભાજીના ફેરિયા, પાનના ગલ્લા અને ચાની કીટલીઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અને વ્યાપારી એકમોમાં ડસ્ટબિનની અનિવાર્યતા સુનિશ્ચિત કરવાનો હતો. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ સ્ક્વોડ દ્વારા સવાર અને સાંજ એમ બંને સમય દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

મ્યુનિસિપલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, 5 મે 2026 ના રોજ કુલ 80 જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી. આ પૈકી નિયમોના ભંગ બદલ 64 એકમોને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન તંત્રએ 3.0 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો અને કુલ 45,100 રૂપિયાનો વહીવટી દંડ વસૂલ્યો હતો.

તંત્ર દ્વારા જે 3 એકમોને સીલ કરવામાં આવ્યા છે તેમાં ઘાટલોડિયા વોર્ડના મોડર્ન રોડ પર સ્થિત 'ભગવતી ઇલેક્ટ્રિક' અને ગામ રોડ પર આવેલ 'સૃષ્ટિ આર્ટ' છે. આ બંને એકમો સામે ગંદકી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, બોડકદેવ વોર્ડમાં આવેલ 'બોપલ વેજીટેબલ માર્કેટ'ને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ સીલ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. જાહેર રોડ પર ગંદકી કરનારા અને પ્લાસ્ટિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.