અમદાવાદમાં પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ: AMTS અને BRTSના આ 12 ડેપોમાં શરૂ થશે પેઈડ પાર્કિંગ, 6,000 વાહનો થઈ શકશે પાર્ક

અમદાવાદ મનપા દ્વારા AMTS અને BRTSના 12 ડેપોમાં પે એન્ડ પાર્કિંગ સુવિધા શરૂ કરાશે. 30% જગ્યા અનામત રાખી 6,000 વાહનો પાર્ક કરી શકાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 07 Aug 2026 07:59 AM (IST)Updated: Fri, 07 Aug 2026 07:59 AM (IST)
ahmedabad-amts-brts-depot-paid-parking-public-facility-traffic-solution

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન વકરતી જતી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમદાવાદ મનપા દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરના AMTS અને BRTSના 12 ડેપોમાં સામાન્ય જનતા માટે પે એન્ડ પાર્કની સુવિધા શરુ કરવામાં આવશે. જેનાથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે.

30 ટકા જગ્યા પબ્લિક પાર્કિંગ માટે અનામત

નવી વ્યવસ્થા મુજબ, AMTS અને BRTSના દરેક ડેપોમાં 30 ટકા જગ્યા પબ્લિક પાર્કિંગ માટે અનામત રાખવામાં આવશે. આ સુવિધાથી 5 હજાર ટુ-વ્હીલર, 1 હજાર ફોર વ્હીલર પાર્ક કરવાની વધારાની ક્ષમતા ઉભી થશે.

મેટ્રો અને મુખ્ય માર્ગો પર ટ્રાફિકથી મુક્તિ

અમદાવાદના મુખ્ય માર્ગો, હાઈરાઈઝ બિલ્ડિંગો અને જાહેર પરિવહનો સ્ટેશનો નજીક પાર્કિંગની જગ્યા ન હોવાને કારણે લોકો રસ્તા પર જ વાહનો પાર્ક કરી દેતા હતા. જેનાથી અવારનવાર ટ્રાફિક જામ થતો હતો.

વિશેષરુપે મેટ્રો રુટ પર આવેલા ડેપોમાં આ સુવિધાઓ શરુ થવાથી મેટ્રો સ્ટેશનની આસપાસ રોડ પર થતાં બિનઅધિકૃત પાર્કિંગમાં મોટો ઘટાડો થશે.આ ઉપરાંત પે એન્ડ પાર્ક વ્યવસ્થાને કારણે લોકોના વાહનોની સુરક્ષા પણ યોગ્ય રીતે જળવાઈ રહેશે.

માત્ર દિવસ દરમિયાન મળશે પાર્કિંગની સુવિધા

AMTS અને BRTSની મોટા ભાગની બસો દિવસ દરમિયાન રુટ પર હોવાથી ડેપોમાં પૂરતી જગ્યાઓ ખાલી હોય છે. મોટાભાગના ડેપો મુખ્ય રોડ પર આવેલા હોવાથી આસપાસની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા મુસાફરો દિવસ દરમિયાન અહીં વાહનો પાર્ક કરી શકશે. મોટાભાગના નોકરીયાત વર્ગ રાત્રે વાહન લઈને ઘરે પરત ફરતા હોવાથી, આ પાર્કિંગ સુવિધા માત્ર દિવસ પૂરતી જ મર્યાદિત રહેશે.

કયા 12 ડેપોમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ બનશે?

અમદાવાદના નીચે મુજબના મુખ્ય વિસ્તારોના ડેપોમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે:

  • ચાંદખેડા
  • અખબારનગર / અચેર
  • આરટીઓ (RTO)
  • મેમ્કો
  • ધર્મનગર
  • નવા વાડજ
  • હેલમેટ સર્કલ
  • વસ્ત્રાલ
  • નારણપુરા
  • ઝુંડાલ
  • (સહિત કુલ 12 ડેપો)