અમદાવાદમાં વાયુ પ્રદૂષણ પર રખાશે કડક નજર: AMC બાંધકામ સાઇટો અને ઔદ્યોગિક વિસ્તારોમાં લગાવશે 100 નવા સેન્સર્સ

અમદાવાદ મનપા (AMC) દ્વારા શહેરમાં વાયુ પ્રદૂષણ પર નજર રાખવા બાંધકામ સાઇટો અને ઔદ્યોગિક વિસ્તારોમાં 100 નવા PM100 સેન્સર લગાવવામાં આવશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 07 Aug 2026 07:35 AM (IST)Updated: Fri, 07 Aug 2026 07:35 AM (IST)
amc-install-100-pm100-air-pollution-sensors-construction-industrial-zones

Ahmedabad Air Pollution: અમદાવાદ શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણ પર લગામ કસવા અને હવાની ગુણવત્તા પર સતત નજર રાખવા માટે અમદાવાદ મનપા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પ્રદૂષણથી વધુ પ્રભાવિત વિસ્તારો જેવા કે, બાંધકામ સાઇટો, ટ્રાફિક સર્કલો અને ઔદ્યોગિક વિસ્તારોમાં 100 નવા ડિજિટલ સેન્સર્સ લગાવવામાં આવશે.

24 કલાક એર કવોલિટી મોનિટરિંગ

હાલ અમદાવાદ શહેરમાં માત્ર 24 સરકારી એર મોનિટરિંગ સ્ટેશન અને 48 વોર્ડ પોલ્યુશન સેન્સર્સ કાર્યરત છે. જેના લીધે શહેરના દરેક ખૂણાની હવાની ગુણવત્તાનો સાચો અને સચોટ ડેટા મળી શકતો નહોતો.

આ સમસ્યાના ઉકેલ માટે એએમસી દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ નવા 100 ડિજિટલ સેન્સર્સ સીધા કંટ્રોલ રુમ સાથે જોડવામાં આવશે અને દર બે મિનિટે હવાની સ્થિતિનો લાઇવ ડેટા આપશે.

કયા કયા વિસ્તારોમાં મૂકાશે નવા સેન્સર્સ?

અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં આ સેન્સર્સ ગોઠવવામાં આવશે.

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ચાલતા હોય તેવા વિસ્તારો
  • મુખ્ય ટ્રાફિક સર્કલો
  • ઔદ્યોગિક બેલ્ટ: નરોડા, વટવા અને ઓઢવ જેવા મોટા કારખાનાં ધરાવતા વિસ્તારો

PM100 સેન્સરની જરૂરિયાત કેમ ઊભી થઈ?

સામાન્ય રીતે વપરાતા PM1 અને PM2.5 સેન્સર્સમાં એવા ફિલ્ટર હોય છે. જે 10 માઇક્રોનથી મોટી જાડી ધૂળ અને રજકણોને અંદર પ્રવેશવા દેતા નથી. આ કારણે વાહનો કે કેમિકલના ધુમાડાના અતિ સૂક્ષ્મ રજકણો જ નોંધાય છે, જ્યારે બાંધકામની સાઇટની ડમરીઓ, રસ્તાની માટી અને ભારે વાહનોથી ઊડતી જાડી ધૂળ રીડિંગમાં આવી શકતી નહોતી.

આ ખામીને દૂર કરવા માટે ખાસ PM100 સેન્સર લાવવામાં આવી રહ્યા છે. આ સેન્સર્સ હવામાં રહેલા સાવ ઝીણા કચરાથી લઈને પીએમ1, પીએમ 2.5 અને પીએમ 100 સુધીની તમામ પ્રકારની જાડી ધૂળ અને રજકણોનું ચોક્કસ માપન કરી શકશે.