Ahmedabad Pelican Signal: CG રોડ પર લાખોના ખર્ચે બનેલા પેલિકન સિગ્નલની તોડફોડ, અસામાજિક તત્વો સામે FIR થશે

અમદાવાદ મહાનગરપાલિકાએ આશરે 7 લાખના ખર્ચે આ સિસ્ટમ મૂકી હતી, પરંતુ અજાણ્યા શખ્સે માત્ર 9 જ દિવસમાં તેની ગ્લાસ પેનલ તોડી નાખી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 26 Jun 2026 09:25 AM (IST)Updated: Fri, 26 Jun 2026 09:25 AM (IST)
ahmedabad-cg-road-pelican-crossing-signal-vandalism-fir-against-anti-social-elements

Ahmedabad Pelican Signal Broken: અમદાવાદના સી. જી. રોડ પર રાહદારીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી 'પુશ-બટન પેલિકન ક્રોસિંગ સિસ્ટમ' (Pelican Crossing System) મૂકવામાં આવી હતી. જોકે, આ સિસ્ટમ અસામાજિક તત્ત્વોનો શિકાર બની છે. આ કૃત્ય કરનાર તત્ત્વો સામે હવે પોલીસ FIR નોંધવામાં આવશે.

અજાણ્યા શખ્સોએ ગ્લાસ પેનલ તોડી નાખી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6થી 7 લાખના ખર્ચે પુશ-બટન પેલિકન ક્રોસિંગ સિસ્ટમ મૂકવામાં આવી હતી. પરંતુ કોઈ અજાણ્યા શખ્સે માત્ર 9 જ દિવસમાં તેની ગ્લાસ પેનલ તોડી નાખી છે. આ વિકૃતિ દાખવનાર તત્ત્વો સામે હવે પોલીસ ફરિયાદ (FIR) નોંધવામાં આવશે, આ ગુનામાં 2થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.

નાગરિકોમાં પણ સિવીક સેન્સનો અભાવ

આટલા મોટા ખર્ચે સિસ્ટમ લગાવવા છતાં, અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવતું એક પણ જાગૃતિ બોર્ડ મૂકવામાં આવ્યું નથી. પરિણામે, મોટાભાગના રાહદારીઓ રોડ ક્રોસ કરતી વખતે આ બટનનો ઉપયોગ કરતા જ નથી અને રોજના માંડ 30થી 35 લોકો જ આ સિગ્નલ વાપરે છે.

બીજી તરફ, વાહનચાલકોમાં પણ ટ્રાફિકના નિયમો પ્રત્યે ભારે ઉદાસીનતા જોવા મળે છે. સિગ્નલમાં લાલ લાઈટ થાય ત્યારે પણ વાહનો ઉભા રહેતા નથી. જાળવણી અને સિવીક સેન્સના અભાવને કારણે આવા મોંઘા પ્રોજેક્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.

અન્ય શહેરોમાં સિસ્ટમ કેવી રીતે સફળ બની?

અમદાવાદમાં આ સિસ્ટમની તોડફોડ અને અવગણના થઈ રહી છે. બીજી તરફ ત્યાં દેશના અન્ય 4 શહેરોએ કડક નિયમો અને જાગૃતિ દ્વારા તેને સફળ બનાવી છે:

  • હૈદરાબાદ: અહીં શરૂઆતમાં લોકો સિગ્નલનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ ટ્રાફિક પોલીસે 'ટ્રાફિક વોલિન્ટિયર્સ' રાખીને રાહદારીઓને બટન દબાવતા શીખવ્યું.
  • બેંગલુરુ: શરૂઆતમાં માત્ર 15થી 20 ટકા લોકો જ ઉપયોગ કરતા અને વાહનચાલકો લાલ લાઈટ હોવા છતાં ઊભા નહોતા રહેતા. પરંતુ હવે CCTV કેમેરા દ્વારા મેમો આપવાનું શરૂ કરાતા સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.
  • મુંબઈ અને દિલ્હી: કડક ટ્રાફિક પોલીસ અને કેમેરાના કારણે આ સિસ્ટમ અત્યંત સફળ છે. જોકે, સામાન્ય રહેણાંક વિસ્તારોમાં તેના ઉપયોગનો રેશિયો 30 ટકાથી ઓછો છે.