Ahmedabad Cyber Fraud Case: અમદાવાદ શહેરમાં સાયબર ઠગો હવે સામાન્ય લોકોની સાથે ઉચ્ચ શિક્ષિત અને પ્રોફેશનલ વર્ગને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. અમદાવાદ શહેર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ચોંકાવનારા આંકડા મુજબ, જાન્યુઆરીથી જૂન મહિના સુધીના માત્ર 6 મહિનામાં ઓનલાઈન ફ્રોડની 66 ફરિયાદો નોંધાઈ છે. આ કેસમાં કુલ 66 લોકોએ રૂ. 43.61 કરોડ જેટલી માતબર રકમ ગુમાવી છે.
ત્રણ દિવસે એક વ્યક્તિ બને છે શિકાર
અમદાવાદ શહેર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આંકડા દર્શાવે છે કે, શહેરમાં સરેરાશ દર ત્રણ દિવસે એક વ્યક્તિ સાઈબર ક્રાઇમનો ભોગ બની રહી છે, અને એક વ્યક્તિ સરેરાશ 66.07 લાખ રૂપિયા ગુમાવે છે.
સિનિયર સિટીઝન સૌથી વધુ નિશાન પર
ઠગો ખાસ કરીને મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભોગ બનેલા લોકોમાં સૌથી વધુ 26 વ્યક્તિઓ 61 થી વધુ ઉંમરના છે, જેમણે કુલ રૂ. 15.62 કરોડ ગુમાવ્યા છે. આ ઉપરાંત 41 થી 60 વર્ષની ઉંમરના 21 લોકોએ રૂ. 19.50 કરોડ અને 20 થી 40 વર્ષની ઉંમરના યુવા વર્ગના 19 વ્યક્તિઓએ રૂ. 8.38 કરોડ ગુમાવ્યા છે.
કયા પ્રકારના ફ્રોડમાં કેટલા લોકો ફસાયા?
સાયબર ફ્રોડમાં સૌથી વધુ લોકો નાણાં બમણા કરવાની લાલચમાં ફસાયા છે:
- શેરબજાર, ક્રિપ્ટોકરન્સી, ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ: 32 લોકોએ સૌથી વધુ 28.54 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
- બનાવટી APK કે લિંક: 16 લોકોએ 5.28 કરોડ ગુમાવ્યા.
- ડિજિટલ અરેસ્ટ અને ફેક CBI/પોલીસ ફ્રોડ: 10 લોકોએ ડરના માર્યા 4.12 કરોડ રૂપિયા ગુમાવ્યા.
- એડવાન્સ ફી, ઈન્સ્યોરન્સ, લોન સ્કેમ: 4 લોકોએ 4.05 કરોડ ગુમાવ્યા.
ડર અને વિશ્વાસનો દુરુપયોગ: નિષ્ણાતનો મત
ઈન્ટરનેશનલ સાયબર લોયર એન્ડ AI સ્પેશિયાલિસ્ટ ડૉ. સ્નેહલ એચ. વકીલ જણાવ્યું કે, "સાઈબર ક્રાઈમ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ એક ડિજિટલ સાયકોલોજિકલ વોરફેર છે." ઠગો ટેક્નોલોજી કરતા વધુ લોકોના ડરનો દુરુપયોગ કરે છે. 'ડિજિટલ અરેસ્ટ' અને 'ટ્રેડિંગ ફ્રોડ' દ્વારા શિક્ષિત અને નિવૃત્ત વર્ગને નિશાન બનાવે છે.
સાયબર એક્સપર્ટ લોકોને ચેતવણી આપે છે કે કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી ફોનમાં એનીડેસ્ક કે શંકાસ્પદ APK ફાઈલ ડાઉનલોડ કરવી નહીં. નોંધનીય છે કે, પોલીસ કે CBI ક્યારેય વોટ્સએપ પર વીડિયો કોલ કરીને પૂછપરછ કે 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી.
નાણાં પરત મેળવવા 'ગોલ્ડન અવર' નિર્ણાયક
જો તમે સાઈબર છેતરપિંડીનો ભોગ બનો છો, તો પ્રથમ 2 કલાક (ગોલ્ડન અવર) ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શું કરવું? તુરંત જ 1930 પર કોલ કરો અથવા સાયબર પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.
કેવી રીતે મળશે પૈસા? જો સમયસર ફરિયાદ થાય તો પોલીસ ઠગના બેંક ખાતા ફ્રીઝ કરી શકે છે. રકમ ફ્રીઝ થયા બાદ કોર્ટ પ્રક્રિયા (CrPC 457) દ્વારા રિફંડ ઓર્ડર મેળવી બેંકમાંથી પૈસા પરત મેળવી શકાય છે.
સાવચેતી: જો ફરિયાદ કરવામાં વિલંબ થાય અને ઠગ નાણાં ઉપાડી લે, તો રિકવરી મુશ્કેલ બની જાય છે. તેથી ત્વરિત પગલાં લેવા અનિવાર્ય છે.
