Ahmedabad: હંસપુરામાં યુવકની ચકચારી હત્યા, 5 શખ્સોએ બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંક્યો; દ્રશ્યો CCTV કેમેરામાં કેદ

સરદાર પટેલ રિંગ રોડ પર આવેલી વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આ ગુનો બન્યો છે. પોલીસ તપાસ કરી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 06 Aug 2026 03:33 PM (IST)Updated: Thu, 06 Aug 2026 03:33 PM (IST)
ahmedabad-hanspura-spa-dashrath-murder-thrown-from-vishala-empire-building-fourth-floor
AI Generated Symbolic Image

Ahmedabad Crime News: અમદાવાદના હંસપુરા વિસ્તારમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલી વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં એક યુવકની ચોથા માળની બારીમાંથી ફેંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. પાંચ જેટલા શખ્સો આ ઘટનાને અંજામ આપતા CCTV કેમેરામાં કેદ થયા છે.

પાંચ શખ્સોએ સ્પામાં ઘૂસીને મચાવી તોડફોડ

પ્રાપ્ત વિગતો અનુસાર, દશરથ નામનો યુવક જ્યારે બિલ્ડિંગના ચોથા માળે આવેલા સ્પામાં હતો, ત્યારે 5 શખ્સ ત્યાં અચાનક ધસી આવ્યા. હુમલાખોરોએ દશરથ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી અને સ્પામાં હાજર એક મહિલાની હાજરીમાં જ જોતજોતામાં ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. સ્પામાં જે પણ વસ્તુ હાથમાં આવી તેનાથી હુમલો કરી ત્યાં તોડફોડ પણ કરી હતી.

બિલ્ડિંગના ચોથા માળેથી ફેંકી દેતા યુવકનું મોત

હુમલાખોરોનો આક્રોશ એટલો હતો કે તેમણે ઘાયલ દશરથને પકડીને ચોથા માળે સ્થિત સ્પાની બારીમાંથી નીચે ફેંકી દીધો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સ્પામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે, જે હવે પોલીસ તપાસમાં મહત્વના પુરાવા સાબિત થશે.

નરોડા પોલીસ એક્શનમાં, ગુનો નોંધી તપાસ

ઘટનાની જાણ થતા જ નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી રહી છે.