અમદાવાદીઓ સાવધાન: નકલી ફેસવોશ અને સાબુ બનાવતું રેકેટ ઝડપાયું, 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના બહેરામપુરામાંથી નકલી સાબુ અને ફેસવોશ બનાવતા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે 11.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 11:15 AM (IST)Updated: Thu, 06 Aug 2026 11:15 AM (IST)
ahmedabad-fake-cosmetic-racket-busted-fake-soap-and-facewash-worth-11-lakhs-seized

Ahmedabad News: અમદાવાદમાં એક બ્રાન્ડેડ કોસ્મેટિક કંપનીના નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરીને નકલી સાબુ અને ફેસવોશ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાંથી એક ગોડાઉન પર પોલીસ અને કંપનીના અધિકારીઓએ સાથે મળીને સંયુક્ત રેડ પાડી હતી. જેમાં સ્થળ પરથી રેડ દરમિયાન અંદાજે 11.68 લાખથી વધુની કિમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં એક શખ્સની અટકાયત કરી છે.

નકલી સાબુ અને ફેસવોશનું વેચાણ

પ્રાપ્ત માહિતી મુજબ, પુણેની યામી ઘર શોપ પ્રાઈવેટ લિમીટેડ કંપનીના ટ્રેડમાર્ડ અને કોપીરાઈટ પ્રોડક્શનનું કામકાજ સંભાળનાર અને ન્યુ રાણીપ ખાતે રહેતા જયદીપભાઈ ભટ્ટી અને કંપનીના અધિકારીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમની કંપનીના નામ અને લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને માર્કેટમાં નકલી પ્રોડક્ટ્સનું ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. તેવો ફરિયાદમાં ઉલ્લેખ છે.

બહેરામપુરાના ગોડાઉનમાંથી કૌભાંડ ઝડપાયું

આ અંગે બાતમી મળતાની સાથે જ પોલીસ અને કંપનીના અધિકારીઓએ બહેરામપુરામાં આવેલા ભાટી કમ્પાઉન્ડના એક ગોડાઉનમાં રેડ પાડી હતી. જ્યાંથી મોહંમદ જુનેદ યુનુસભાઈ પટેલ (ઉ.45, રહે દાણીલીમડા) નામના વેપારીની ધરપકડ કરી લીધી હતી. આરોપી પોતાની બ્રાન્ડ 'કિસરા'ના સ્ટીકરનો ઉપયોગ કરીને કંપનીની નકલી વસ્તુઓ બનાવીને માર્કેટમાં વેચતો હતો.

પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત

પોલીસે રેડ દરમિયાન બહેરામપુરાના ગોડાઉનમાંથી નકલી સાબુ નંગ 3,892 (કિંમત 3,89,400), નકલી ફેસવોશ નંગ 6,490 (કિંમત 7,78,800)ને કબ્જે કર્યા હતા, ઉપરાંત પોલીસે આરોપી મોહંમદ જુનેદ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.