AMC Standing Committee: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠકમાં શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધાઓને લગતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે આ નિર્ણયો અંગે માહિતી આપી હતી.
સીલ કરાયેલી દુકાનો અંગે શરતી રાહત
રામોલની ફટાકડા ફેક્ટરીમાં આગની દુર્ઘટના બાદ ફાયર NOC, BU પરમિશન કે પોલીસ મંજૂરી ન ધરાવતી ફટાકડાની દુકાનો સીલ કરવામાં આવી હતી. રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સિઝનલ વેપારીઓને રાહત અપાઈ છે.
વેપારીઓએ ફટાકડાનો ધંધો નહીં કરીએ તેવું બોન્ડ સબમિટ કરવું પડશે. માત્ર રાખડી કે અન્ય સિઝનલ સામાન વેચવાની પરવાનગી મળશે. જે વેપારીઓ પાસે તમામ કાયદેસરની NOC અને પરમિશન હશે, માત્ર તેઓ જ ફટાકડા વેચી શકશે.
11 ઓગસ્ટે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા' આહ્વાન અંતર્ગત 11 ઓગસ્ટે રાયપુર દરવાજાથી સાળંગપુર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં શહેર અને પ્રદેશના અગ્રણી મહાનુભાવો જોડાશે. ઉપરાંત, અમદાવાદના તમામ 48 વોર્ડમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
નરોડા ફ્લાયઓવર પ્રોજેક્ટ: કામગીરીમાં વિલંબ બદલ કોન્ટ્રાક્ટરને ₹50 લાખનો દંડ
પ્રોજેક્ટ વિગત: નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી ₹276 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે (રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા).
દંડ અને કારણ: ધીમી કામગીરી બદલ કંપનીને ₹50 લાખનો દંડ ફટકારાયો છે.
જમીન સંપાદન ઉકેલ: ફોરેસ્ટ વિભાગની જમીનનો પેન્ડિંગ મુદ્દો ઉકેલવા હવે TP 77 માંથી સમકક્ષ જમીન ફાળવાશે.
નવી ડેડલાઇન: જૂની મર્યાદા (જુલાઈ 2026) લંબાવીને હવે જુલાઈ 2027 સુધીમાં બ્રિજ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
ઓઢવ અને વિંઝોલ લેન્ડફિલ સાઇટ બફર ઝોન અંગે નિર્ણય
ચેરમેનશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઓઢવ અને વિંઝોલ વિસ્તારમાં આવેલી બંધ લેન્ડફિલ સાઇટના 500 મીટરના બફર ઝોનમાં વિકાસકાર્યો હાથ ધરવા માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટે ભારત સરકારના PARIVESH પોર્ટલ પર નોંધાયેલી અને આ કામગીરીમાં નિષ્ણાત એજન્સીની નિમણૂક કરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવા, વિકાસ યોજના (Development Plan) તૈયાર કરવા તેમજ ક્લિયરન્સ મળ્યા બાદ વિકાસ પરવાનગી સંબંધિત તમામ કાર્યવાહી હાથ ધરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
