Ahmedabad News: સરકારી નોકરીની શોધમાં રહેલા યુવાનોની કમજોરીનો લાભ લઈને એક ઠગબાજે આખા દેશમાં મોટા પાયે છેતરપિંડી આચરી છે. માત્ર ધોરણ-12 પાસ હોવા છતાં, આ ગઠિયાએ પોતાને આઈટી ઈન્સ્પેક્ટર તરીકે રજૂ કરીને 35થી 40 જેટલા યુવક-યુવતીઓને સરકારી નોકરી અપાવવાના બહાને કરોડો રૂપિયા ખંખેરી લીધા હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઈમે આ માસ્ટરમાઇન્ડને ઝારખંડથી ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બોપલમાં રહેતી એક શિક્ષિકાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. શિક્ષિકાને ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરની નોકરી આપવાની લાલચ આપીને ઠગે તેની પાસેથી કુલ રૂપિયા 12 લાખની માંગણી કરી હતી, જેમાંથી શિક્ષિકાએ રૂપિયા 9.20 લાખ ચૂકવી દીધા હતા. આ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે ઝારખંડથી 36 વર્ષીય અમનકુમાર વર્મા નામના આરોપીની ધરપકડ કરી છે.
સાઇબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાએ આપેલી માહિતી મુજબ, પકડાયેલો આરોપી અમનકુમાર વર્મા માત્ર ધોરણ 12 પાસ છે. જોકે, તેણે છેતરપિંડીના ધંધામાં ઝંપલાવતા પહેલા 7 વર્ષ સુધી બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્સ કંપનીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીઓમાં નોકરી કરી હતી. આ દરમિયાન તે બબલુસિંગ નામના એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો અને ત્યારથી તેણે લોકોને છેતરવાનું શરૂ કર્યું.
અમનની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી હતી. તે આઈટી ઈન્સ્પેક્ટર, રેલ્વે ઓફિસર, ફૂડ ઈન્સ્પેક્ટર, હેલ્થ ઓફિસર જેવી સરકારી નોકરીઓ અપાવવાની લાલચ આપતો હતો. આ માટે તે ઉમેદવારો પાસેથી મોટી રકમ પડાવતો હતો. આઈટીમાં નોકરી માટે તે રૂ. 12 લાખ અને અન્ય સરકારી ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે રૂ. 10 લાખની માંગણી કરતો હતો. અમન વર્માએ પોતાનું નેટવર્ક ફેલાવવા માટે એક આખી સિસ્ટમ ઊભી કરી હતી. સરકારી નોકરી માટે વલખાં મારતા ઉમેદવારોને શોધવા માટે તેણે એજન્ટ તરીકે વેન્ડરોની એક ટીમ ઊભી કરી હતી. આ વેન્ડરોને કમિશન તરીકે 20 ટકા હિસ્સો મળતો હતો. પોતે 50 ટકા રકમ રાખતો અને બાકીના 30 ટકા હોટેલ તથા ડોક્યુમેન્ટ્સના ખર્ચ પાછળ વાપરતો હતો.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઉમેદવારોને ફસાવવા માટે તેણે સરકારી ડોમેન જેવી જ દેખાતી બોગસ વેબસાઇટ્સ બનાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અમન વર્માએ કુલ 14 સરકારી ડોમેન નામો જેવી ભળતી-સળતી સાઇટ્સ બનાવીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ સીબીઆઈ દ્વારા ડિસેમ્બર 2023માં પણ અમન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર ત્રણ મહિનામાં જામીન પર છૂટી ગયો હતો અને ફરીથી તેણે આ મહાજાળ શરૂ કરી દીધું હતું. સાયબર ક્રાઈમની આ કાર્યવાહીથી સરકારી નોકરીના નામે ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
