Vadodara Suicide: પાદરા તાલુકાના ડભાસા ગામની સીમમાં આવેલી જાણીતી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાંથી એક દુઃખદ અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં કંપનીની અંદર જ ફરજ પર હાજર એક યુવાન શ્રમજીવીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અને શ્રમિક વર્તુળોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મૂળ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના શિવજીપુરા ગામના નિશાળ ફળિયામાં રહેતા 26 વર્ષીય પિયુષભાઈ પરષોત્તમભાઈ રાઠવા આજીવિકા મેળવવા માટે પાદરા તાલુકાના ડભાસા ગામે આવેલી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપનીમાં કામ કરવા માટે જોડાયા હતા. તેઓ હાલ વડોદરાના ગોરવા કરોળિયા વિસ્તારની જનકપુરી સોસાયટીમાં ભાડેથી મકાન રાખીને રહેતા હતા અને કંપનીમાં પોતાની ફરજ બજાવતા હતા.
કંપનીના રૂમમાં જ ગળાફાંસો ખાધો
ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પિયુષભાઈ પોતાની નિયમિત ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેઓ અચાનક કંપનીના પ્રોજેક્ટ સ્ટોર એરિયામાં આવેલા એક રૂમમાં ગયા હતા. જ્યાં કોઈને ખબર ન પડે તે રીતે તેમણે રૂમની અંદર ગળાફાંસો ખાઈને પોતાના જીવનનો અંત લાવવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ પિયુષભાઈ સાથે કામ કરતા સહ-કર્મચારી ભાવેશભાઈ પરમારને થઈ હતી. સહ-કર્મચારી દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગેની જાણ અન્ય સ્ટાફને કરવામાં આવી હતી અને યુવાનને ગંભીર હાલતમાં ફાંસામાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
સહ-કર્મચારીઓ અને કંપનીના સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે યુવાનને ડભાસા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરો દ્વારા તેમને બચાવવા માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ પિયુષભાઈએ દમ તોડી દીધો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વડુ પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતકના સહ-કર્મચારીઓ, મિત્રો અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે જેથી આપઘાત પાછળનું સાચું રહસ્ય બહાર આવી શકે. વડુ પોલીસ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
