Ahmedabad Mayor Budget Speech: અમદાવાદના દાણાપીઠ - સરદાર પટેલ ભવન મહાત્મા ગાંધી હોલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાસ સભા યોજાઈ હતી. આ દરમિયાન મેયર પ્રતિભાબેન જૈને અંદાજપત્ર 2026-2027 પર સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆત ભગવદ્ ગીતાના શ્લોક “યોગઃ કર્મસુ કૌશલમ્” સાથે કરતા મેયરે જણાવ્યું કે, આ બજેટ માત્ર આંકડાઓનો પ્રસ્તાવ નહીં, પરંતુ શહેરના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ છે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, “વિકસિત ભારત @ 2047”ના સંકલ્પ હેઠળ અમદાવાદ શહેર વિકાસના નવા આયામે આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકારના સર્વસમાવેશી વિકાસ અભિગમ સાથે શહેરમાં અનેક પ્રકલ્પો અમલમાં આવી રહ્યા છે. ભાજપની ચૂંટાયેલી પાંખ 2005થી સતત સેવા, સમર્પણ અને સિદ્ધિનો ઇતિહાસ રચી અને શહેરને “ક્લીનેસ્ટ, ગ્રીનેસ્ટ અને પ્રીટીએસ્ટ સિટી” બનાવવા પ્રયત્નશીલ છે.
આ બજેટમાં શહેરના સંતુલિત અને સમાવેશી વિકાસ માટે વિશાળ આયોજન કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અંદાજે રૂ.1,205 કરોડનું બજેટ રજૂ કર્યું, જ્યારે નેટ-ઝીરો 2070ના લક્ષ્ય સાથે AMTS દ્વારા 2030 સુધી તમામ બસોને ઇલેક્ટ્રિક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પ્રસ્તાવિત રૂ. 1,011 કરોડના બજેટથી શહેરીજનોને ઝડપી, આરામદાયક અને સલામત મુસાફરી સુલભ બનશે.
આરોગ્ય ક્ષેત્રે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, શેઠ ચિનાઈ પ્રસુતિગૃહ અને કે.એમ. સ્કૂલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન સહિત સંસ્થાઓ માટે રૂ.212.87 કરોડનું બજેટ રજૂ કર્યું છે. ઉપરાંત SVP હોસ્પિટલમાં AMC કર્મચારીઓ અને પેન્શનરોને કેશલેસ સારવારની સુવિધા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પૂર્વ વિસ્તારમાં વિરાટનગર ખાતે રૂ. 50 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ જશોદાનગર, સૈજપુર-બોઘા, શાહીબાગ, સાબરમતી અને ચાંદલોડિયા વિસ્તારોમાં નવા આરોગ્ય કેન્દ્રોનું આયોજન કર્યું છે.
નાગરિકોને રાહત આપવા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12% અને ઓનલાઈન ભરનારને વધારાના 1% સહિત સતત ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ભરનારને કુલ 15% સુધી રિબેટ આપવામાં આવશે. સાથે જ પ્રદૂષણ ઘટાડવા તમામ ઇલેક્ટ્રિક વાહનોને આજીવન વાહનવેરામાં 100% છૂટની જાહેરાત કરવામાં આવી.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, પર્યાવરણ ક્ષેત્રે સાબરમતી નદી અને લાંભા તળાવ પર ફ્લોટિંગ સોલાર પેનલ્સથી ઊર્જા ઉત્પાદન માટે રૂ. 50 કરોડ ફાળવાયા છે. મિશન ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત ઓક્સિજન પાર્ક, બાયો-ડાયવર્સિટી પાર્ક અને વૃક્ષારોપણથી શહેરના ગ્રીન કવરમાં વધારો થયો છે.
શહેરી સુવિધાઓ માટે નવા 200 કિ.મી.થી વધુ રસ્તા, 19 નવા બ્રિજ, આઇકોનિક અને વ્હાઇટ ટોપિંગ રોડ, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક તેમજ રીંગ રોડ વિસ્તારના વિકાસનું આયોજન કરાયું છે. ખારીકટ કેનાલ પ્રોજેક્ટ દ્વારા પૂર્વ વિસ્તારને ઉત્તર-દક્ષિણ ઝોન સાથે જોડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: AMCના ફૂડ વિભાગે 42 ખાદ્ય નમૂના તપાસ અર્થે મોકલ્યા, 7 એકમો પાસેથી રૂ. 53 હજારનો દંડ વસૂલ્યો
મેયરે જણાવ્યું કે, હાઉસિંગ ક્ષેત્રે ઝીરો સ્લમ સિટી દ્રષ્ટિકોણ સાથે 50 હજાર નવા આવાસોના DPR અને 24 હજારથી વધુ આવાસોના નિર્માણનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં અમદાવાદ અગ્રેસર છે. અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ-2030ના યજમાનપદ તરફ આગળ વધી રહ્યું છે અને સ્વચ્છતામાં પણ દેશમાં પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સંબોધનના અંતે “સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ” ના મંત્ર સાથે મેયર પ્રતિભા જૈને સૌના સહકારથી વધુ સમૃદ્ધ અને સશક્ત અમદાવાદના નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની અને તેમની ટીમ, જનપ્રતિનિધિઓ તથા મીડિયા પ્રતિનિધિઓનો આભાર માનતા કહ્યું કે, આ બજેટ “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના મંત્રને સાકાર કરી વિકસિત અમદાવાદ તરફ આગળ વધારશે.
