Ahmedabad: સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડી અને ધમકીના કેસમાં મોટી રાહત મળી છે.
હકીકતમાં બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી ફરિયાદીએ કેસ આગળ ચલાવવા અનિચ્છા વ્યક્ત કરી હતી. જેને પગલે સાણંદ કોર્ટે કેસનો નિકાલ કરી દીધો છે.
સંતવાણીના કાર્યક્રમ માટે 8 લાખ રૂપિયા લઈને દેવાયત ખવડ હાજર ના રહ્યો
ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી ભગતસિંહ ચૌહાણના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ગત વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના માટે દેવાયત ખવડને 8 લાખ રૂપિયા આપીને કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જો કે દેવાયત ખવડે પૈસા લઈને કાર્યક્રમમાં હાજર ના રહીને છેતરપિંડી આચરી હતી.
આટલું જ નહીં,દેવાયત ખવડે ફોન પર ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર મામલે કાનૂની લડાઈ સુધી પહોંચ્યો હતો, જેનો કેસ સાણંદ કોર્ટમાં ચાલતો હતો.
બન્ને પક્ષો વચ્ચે ગેરસમજના કારણે વિવાદ ઉભો થયો: વકીલ
આ અંગે દેવાયત ખવડના વકીલ ધ્રુવેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આ કેસમાં બન્ને પક્ષો વચ્ચે પરસ્પર ગેરસમજના કારણે વિવાદ વકર્યો હતો. જો કે અંદરોઅંદર ચર્ચા બાદ સમાધાન થઈ ગયું છે. ફરિયાદીએ કોર્ટ સમક્ષ સ્વૈચ્છિક રીતે સમાધાન થઈ ગયું હોવાનું જણાવી દીધુ છે. જેને ધ્યાનમાં રાખીને સાણંદ કોર્ટ દ્વારા દેવાયત ખવડ સામેના તમામ આરોપો રદ્દ કરીને કેસનો નિકાલ કર્યો છે.
