UpdatedIST

Ahmedabad: ચાંગોદરમાં દાખલ ફરિયાદ રદ્દ કરવા જતાં હાઈકોર્ટની આકરી ટિપ્પણી- 'દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે'

હાઈકોર્ટે તપાસ અધિકારીને પોતાના રિપોર્ટની સાથે-સાથે ફરિયાદી અને આરોપી બન્ને પક્ષોને હાજર રહેવા હુકમ કર્યો. વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 06 Feb 2026 11:15 PM (IST)Updated: Fri 06 Feb 2026 11:15 PM (IST)
gujarat-high-court-slams-folk-artist-devayat-khavad-in-fir-quashing-plea-687284
HIGHLIGHTS
  • ચાંગોદર પોલીસ મથકમાં દાખલ ફરિયાદમાં દેવાયત ખવડ અને ફરિયાદી વચ્ચે સમાધાન થઈ ગયું
  • હાઈકોર્ટનો વેધક સવાલ- 'ગંભીર કલમમાં સમાધાન કેવી રીતે થઈ શકે'

Ahmedabad: ગુજરાતી લોક સાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડની (Devayat Khavad) કાનૂની મુશ્કેલીઓ વધી રહી છે. ચાંગોદર પોલીસ મથકમાં પોતાના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ ક્વોશિંગ પિટિશનની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે દેવાયત ખવડની અરજી સંદર્ભે આકરી ટિપ્પણી કરી છે.

ફરિયાદી સાથે સમાધાન થઈ ગયું હોવાથી FIR રદ્દ કરો
હકીકતમાં અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકમાં દેવાયત ખવડ વિરુદ્ધ મારામારી અને ધાકધમકીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરિયાદી અને આરોપી દેવાયત વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનું જણાવીને હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. આ સમાધાનના આધારે દેવાયત ખવડે પોતાની વિરુદ્ધ દાખલ FIR રદ્દ કરવાની માંગણી કરી હતી.

દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાતઃ હાઈકોર્ટનું અવલોકન
દેવાયત ખવડ દ્વારા દાખલ કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે પૂછ્યું કે, 307ની ગંભીર કલમમાં સમાધાન કઈ રીતે થઈ શકે. દેવાયત ખવડ વિરુદ્ધ કુલ 6 જેટલા ગુના નોંધાયા છે. જે પૈકી બેમાં સમાધાન કરી લેવામાં આવ્યું છે અને 3માં તેનો નિર્દોષ છૂટકારો થયો છે. હાલ એક કેસ ચાલી રહ્યો છે.

માત્ર સમાધાન થઈ જાય તેથી ગંભીર ગુનામાંથી મુક્તિ ના મળી શકે, ખાસ કરીને જ્યારે વ્યક્તિનો ઈતિહાસ વિવાદાસ્પદ હોય. એક કલાકાર તરીકે સમાજમાં દાખલો બેસાડવા આવી પ્રવૃતિઓ સ્વીકાર્ય નથી. તેઓ પ્રખ્યાત નહીં, પણ કુખ્યાત અને માથાભારે છે.

તપાસ અધિકારીના રિપોર્ટ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે
આ કેસની ગંભીરતાને જોતા હાઈકોર્ટે તપાસ અધિકારીને પોતાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ સાથે જ ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના બન્ને પક્ષકારોને હાજર રહેવા હુકમ કર્યો છે. હવે દેવાયત ખવડની ક્વોશિંગ પિટિશન મામલે આગામી 19 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.