Ahmedabad: શહેરના નારોલ વિસ્તારના રહેણાંક મકાનમાં મિત્રો વચ્ચે મજાક-મસ્તીમાં ભૂલથી તમંચાનું ટ્રિગર દબાઈ જતાં છૂટેલી ગોળી સગીરને વાગી હતી. આ ઘટનામાં સગીરને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું માલૂમ પડ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના નારોલ વિસ્તારની શિવાલિક રેસિડન્સીના ફ્લેટમાં રહેતો સિદ્ધાર્થ ભૂમિહર ઘરે એકલો હોવાથી તેણે પોતાના મિત્ર રોહિત પ્રજાપતિ અને અન્ય એક સગીરને ઘરે બોલાવ્યા હતા. જ્યાં મોડી રાત સુધી ત્રણેય મિત્રો મજાક-મસ્તી કરતા હતા, ત્યારે સિદ્ધાર્થે પોતાની પાસે રહેલ દેશી તમંચો કાઢીને મિત્રોને બતાવી રહ્યો હતો.
આ દરમિયાન અચાનક સિદ્ધાર્થના હાથેથી ટ્રિગર દબાઈ જતાં છૂટેલી ગોળી સામે બેઠેલા સગીરને વાગતા તે લોહીલુહાણ થઈને ત્યાંજ ફસડાઈ ગયો હતો. આથી સગીરને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મોડી રાતે અચાનક ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના રહીશો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ સિદ્ધાર્થે ઈજાગ્રસ્ત સગીરના પરિવારજનોને પણ ઘટનાની જાણ કરી હતી. તેમજ પોતાનો દેશી તમંચો પણ કચરામાં ફેંકી દીધો હતો.
આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે સિદ્ધાર્થ અને રોહિતની અટકાયત કરીને પૂછપરછ કરતાં તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. હાલ તો પોલીસે તેમના દ્વારા ફેંકવામાં આવેલા તમંચાની શોધખોળ હાથ ધરી છે.
