Ahmedabad: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજથી રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક શરૂ કરવામાં આવી છે. જ્યાં કોઈ વ્યક્તિના મૃત્યુના 6 કલાકની અંદર લેવામાં આવેલી ચામડીને 5 વર્ષ સુધી સાચવી રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હકીકતમાં આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગુજરાત સરકાર અને રોટરી ક્લબ કાંકરિયાના સહયોગથી રૂ. 48 લાખના ખર્ચે સૌથી મોટી સરકારી સ્કિન બેંક શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો
આ માટે રોટરી ક્લબ કાકરિયા દ્વારા રૂ. 48 લાખના સાધનો ડોનેટ કરવામાં આવ્યા છે. આ સ્કિન બેંક બર્ન્સ તેમજ પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે. જેમાં જરૂરી ટેસ્ટ બાદ મૃત વ્યક્તિની ચામડી લઈને તેને સાચવવામાં આવશે.
જે દાઝી ગયા હોય, તેવા દર્દીઓ માટે આ સ્કીન બેંક ખૂબ જ ઉપયોગી નીવડશે, કારણ કે તેમને બાયોલોજીકલ ડ્રેસિંગના રૂપમાં આ સ્કિન બેંકમાં સાચવવામાં આવેલી ચામડી બેસાડવામાં આવશે.
આ ઉપરાંત ડાયાબિટીસ તેમજ અકસ્માતના કારણે થયેલા ઘા જલ્દી રૂઝાય તે માટે સ્કિન પ્રત્યારોપણ પણ થઈ શકશે. જેથી આવા દર્દીઓને પણ ફાયદો થશે.
સ્કિન બેંક માટે વ્યક્તિના મૃત્યુના 6 કલાકની અંદર લેવામાં આવેલી ચામડી પર ખાસ પ્રોસેસ કરીને તેને 5 વર્ષ સુધી સાચવી શકાય છે. એક અંદાજ મુજબ, સિવિલ હોસ્પિટલના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દર વર્ષે 400થી વધુ દર્દીઓ દાખલ થાય છે. આ ઉપરાંત અકસ્માતના અન્ય દર્દીઓને પણ ચામડી બેસાડવાની જરૂર પડે છે. આ વિભાગમાં વર્ષે 200થી વધુ ચામડી બેસાડવાના ઑપરેશન કરવામાં આવે છે.
હવેથી કોઈ વ્યક્તિએ પોતાના મૃત્યુબાદ સ્કિન ડોનેટનો સંકલ્પ લીધો હોય તેમજ મૃત્યુ બાદ સ્વજનો સ્કિન ડોનેશન માટે સહમતી આપશે, તો આવા 18થી વધુ વયના કોઈ પણ બ્લડ ગ્રુપના વ્યક્તિ પોતાની ચામડી દાન કરી શકશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
