Ahmedabad: અમદાવાદ શહેરના છેવાડે આવેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા એવા ચાંગોદરમાં અકસ્માતનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ઑવર બ્રિજ પરથી પસાર થતીં બસનું ટાયર અચાનક નીકળીને સર્વિસ રોડ પર પડ્યું હતુ. આ સમયે સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક પર બસનું ટાયર પડતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, 'યુનિસન ફાર્મા' કંપનીની સ્ટાફ બસ આજે ચાંગોદર બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે ચાલુ બસનું ટાયર અચાનક નીકળી ગયું હતુ અને રગડતું-રગડતું બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતુ. આ સમયે સર્વિસ રોડ પરથી એક વ્યક્તિ બાઈક પરથી પસાર થઈ રહ્યો હતો. બસનું તોતિંગ ટાયર બાઈક પર પડતાં બાઈક ચાલક નીચે પટકાયો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકો ટોળે વળતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ અકસ્માતની જાણ થતાં ચાંગોદર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ધોળકા તાલુકાના બદરખા ગામમાં રહેતા ભીખાભાઈ ઝાલા તરીકે થઈ છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
