Ahmedabad: શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી પર આવેલ સુભાષબ્રિજનું વિગતવાર નિરીક્ષણ (Detail Inspection) કરવાનું કામ ચાલી રહ્યું છે. જેના પગલે સુભાષબ્રિજને આગામી 25 ડિસેમ્બર, 2025 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હકીકતમાં ગત 4 ડિસેમ્બરના રોજ સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરમાં નુકસાન જણાતા જાહેર સુરક્ષાના હિતમાં તાત્કાલિક અસરથી બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો.
આ બ્રિજની સલામતી અંગે સંપૂર્ણ તકનીકી ચકાસણી કરવા માટે અમદાવાદ મનપા દ્વારા ગુજરાત સરકારના આર એન્ડ બી ડિઝાઇન સર્કલ તેમજ એમ-પેનલ સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ સાથે મળીને નિરીક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
વિગતવાર ચકાસણી દરમિયાન બ્રિજના વધુ ઇન્સ્પેક્શન અને ટેસ્ટીંગની જરૂરિયાત જણાતાં અનુભવી તજજ્ઞ સંસ્થા એસ.વી.એન.આઈ.ટી. દ્વારા બ્રિજની હાલ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ફાઉન્ડેશનની ચકાસણી પણ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પ્રગતિમાં છે.
આ ઉપરાંત બ્રિજની સલામતી અને મજબૂતી અંગે વધુ નિષ્ણાંતી વિશ્લેષણ મેળવવા માટે IIT મુંબઈ, IIT રુરકી તથા અન્ય તજજ્ઞ સંસ્થાઓ દ્વારા પણ જરૂરી તપાસ હાથ ધરવામાં આવશે.
આમ ઉપરોક્ત કામગીરી પૂર્ણ કરવા સુધી સુભાષ બ્રિજ તા. 25/12/2025 સુધી જાહેર જનતા માટે બંધ રહેશે. આ દરમિયાન નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
