Ahmedabad Plane Crash: દેશની સર્વોચ્ચ અદાલતમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરાઈ રહી છે. આ દરમિયાન કોર્ટે દુર્ઘટનામાં દિવંગત પાયલટના પિતાની અરજી પર કેન્દ્ર સરકાર અને ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)નો જવાબ માંગ્યો હતો. અગાઉ કોર્ટે દિવંગત પાયલટ સુમિત સબરવાલના પિતાને કહ્યું હતું કે, તમારા દીકરાને કોઈ દોષિત નથી ઠેરવતું. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી.
આ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, વિમાન દુર્ઘટનાની તપાસ માટે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અંતર્ગત એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કે, પ્રાથમિક રિપોર્ટમાં વિમાન દુર્ઘટના માટે એર ઈન્ડિયાના પાયલોટને દોષિત નથી ઠેરવવામાં આવ્યા.
AAIBનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ વિમાન દુર્ઘટનામાં પાયલટની બેદરકારી હોવાની વાત સામે આવી હતી. જેમાં ટેક ઑફના તરત જ બાદ બન્ને એન્જિનોને ફ્યુઅલનો સપ્લાય રોકી દેવામાં આવ્યો હતો. ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ વારાફરતી કટ ઑફની સ્થિતિમાં આવી ગઈ હતી. જો કે 10 સેકન્ટ બાદ સ્વિચ ફરીથી ઑન કરી દેવામાં આવી હતી, પરંતુ એન્જિન પહેલા જ બળી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. જે બાદ કેપ્ટન સુમિત સબરવાલના પિતા પુષ્કરરાજે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા.
જણાવી દઈએ કે, 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ 787 ડ્રીમ લાઈનર ટેક ઑફની 32 સેકન્ડ બાદ સિવિલ હોસ્પિટલની હોસ્ટેલની બિલ્ડિંગ સાથે ધડાકાભેર ભટકાઈને ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર એક મુસાફરને બાદ કરતા તમામ 260 લોકોના મોત થયા હતા.
