Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયા (AI171) વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેમાં પોતાના સ્વજનોને ગુમાવનાર ઓછામાં ઓછા 130 પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અમેરિકી વકીલ માઈક એન્ડ્રુ્યુઝે સોમવારે કેન્દ્ર સરકાર સમક્ષ પ્લાઈટ રેકોર્ડર ડેટા આપવા માટે અપીલ કરી છે, જેથી પારદર્શિતા આવી શકે અને પરિવારજનોને કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં મદદ મળી શકે.
તેમણે વળતરમાં વિલંબ, પરિવાર દ્વારા જે મનોવૈજ્ઞાનિક રીતે આઘાત સહન કરી રહ્યા છે તથા વર્તમાન તપાસમાંથી જે મુખ્ય ટેકનિકલ પ્રશ્નો સામે આવ્યા છે તે અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે Air Indiaને પીડિતો તથા તેમના પરિવારજનોની સાથે મજબૂતીથી ઊભા રહેવા માટે આગ્રહ કર્યો છે.
આ ઘટના ક્યારે સર્જાઈ હતી
ઉલ્લેખનીય છે કે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 ટેકઓફ કર્યાના થોડા સમયમાં જ ક્રેશ થઈ ગઈ હતી. તેમાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને જમીન પર રહેલા 19 લોકો સહિત કુલ 260 લોકો માર્યા ગયા હતા.
એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ હતા. એન્ડ્રુઝે એક પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ પર રમેશ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે વિમાનની અંદર બ્લિપ થતી લાઇટો કે જે ક્રેશ પહેલા લીલી થઈ ગઈ હતી, તે સૂચવે છે કે મુખ્ય વિદ્યુત પ્રણાલી અજ્ઞાત કારણોસર કટોકટી અથવા બેકઅપ સિસ્ટમ પર સ્વિચ થઈ ગઈ હતી.
