Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં વસ્ત્રાલના સીમ વિસ્તારમાં સ્થિત ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને 95 ટકા જેટલા દાઝી ગયેલા વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલ અન્ય 4 લોકો સારવાર હેઠળ છે, એક મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
સારવાર દરમિયાન 95% દાઝેલા દર્દીનું મોત
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે, ફટાકડા ફેક્ટરી વિસ્ફોટની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા, જેમાં એક મહિલા અને ચાર પુરુષો હતા. તેમાંથી એક મહિલા 75 ટકાથી વધારે અને એક પુરુષ 95 ટકાથી વધારે ગંભીર રીતે દાઝી ગયા હતા.
બંને ઈજાગ્રસ્તોને ક્રિટીકલ સ્થિતિમાં ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જોકે, 20 જુલાઈની વહેલી સવારે 2:15 વાગ્યે 95 ટકા દાઝેલા પુરુષ દર્દીને બચાવી શક્યા ન હતા અને તેમનું મૃત્યુ થયું હતું.
સ્કિન બેંકની ચામડી લગાવી સઘન સારવાર
અન્ય દર્દીઓ વિશે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, બર્ન્સ વોર્ડમાં દાખલ ત્રણ દર્દીમાંથી બે દર્દીઓ અનુક્રમે 40% અને 20% દાઝેલા છે. સિવિલ હોસ્પિટલ પાસે પોતાની સ્કીન બેંક ઉપલબ્ધ હોવાથી, 40% દાઝેલા દર્દીના શરીરના લગભગ 28 ટકા ભાગમાં દાનમાં મળેલી ચામડી લગાવવામાં આવી છે.
તેવી જ રીતે, 20% દાઝેલા દર્દીના 15% જેટલા ભાગમાં સ્કીન બેંકની ચામડી લગાવવામાં આવી છે. પ્લાસ્ટિક સર્જરી ટીમ દ્વારા દર્દીઓને ઝડપથી રિકવરી આવે તે માટે સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. જ્યારે વોર્ડમાં દાખલ ત્રીજો વ્યક્તિ હાલ બિલકુલ સ્વસ્થ છે.
શું હતો ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો બનાવ?
અમદાવાદના વસ્ત્રાલ ગામની સીમમાં આવેલી એક ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ગત 18 જુલાઈએ થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે આરોપી મેહુલ ડોડિયા, સંચાલક તેની માતા રમીલાબેન અને ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરી છે.
લાયસન્સ રદ્દ હોવા છતા ધમધમતી ફેક્ટરી
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી માહિતી મુજબ, આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉ રદ્દ કરી તેને બંધ કરાવવામાં આવી હતી. તેમ છતાં, આરોપીઓ કોઈપણ પાસ-પરમીટ વગર માત્ર આર્થિક લાભ ખાટવા માટે આ ગેરકાયદેસર કારખાનું ચલાવતા હતા. આરોપીઓએ ગણેશ ચતુર્થીના તહેવાર માટે ફટાકડાનો ઓર્ડર મળતા જ, દાહોદથી મજૂરો લાવીને ફટાકડા બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
