Ambalal Patel: ગુજરાતમાં નવેમ્બર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જોકે આગામી સમયમાં રાજ્યમાં માવઠા અને કાતીલ ઠંડીનો અનુભવ થઇ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, દિતવાહ વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળી શકે છે. જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાઇ શકે છે. જ્યારે ડિસેમ્બરના પ્રારંભમાં એટલે કે 5થી 10 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં માવઠાની શક્યતા છે. 17 ડિસેમ્બર પછી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.
ગુજરાતના આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, દીતવાહ વાવાઝોડાની અસર ખાસ કરીને બીજી ડિસેમ્બર સુધીમાં લગભગ તમિલનાડુના ભાગો, આંધ્રના ઉત્તરી ભાગો, પોંડીચેરીના ભાગો અને તેના ઉપરના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. તમિલનાડુ, આંધ્રપ્રદેશના ભાગો સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેની અસર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થઈ શકે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં, ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં આ વાવાઝોડાને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે.
ડિસેમ્બરના પ્રારંભમાં આ વિસ્તારોમાં માવઠાની શક્યતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ચારથી આઠ ડિસેમ્બરમાં એક હળવો પશ્ચિમી ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેની અસરના કારણે કંઈક અંશે તારીખ 5થી 10 ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગમાં ખાસ કરીને છાંટા પડવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહી શકે અને રાજ્યોના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.
વધુમાં, 18 થી 24 ડિસેમ્બરના ગાળામાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ સંભાવના છે, જેનું માવઠું વધુ તીવ્ર હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની અને અરબ સાગરમાંથી આવતા ભેજના કારણે ગુજરાતમાં માવઠાની શક્યતા વધુ પ્રબળ બનશે.
ડિસેમ્બરના અંતથી કાતિલ ઠંડીનો પ્રારંભ થશે
અંબાલાલ પટેલના મતે, ઠંડીની વાત કરીએ તો, 20 ડિસેમ્બર આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેના પરિણામે 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રારંભ થશે અને તેનો વેગ વધશે. 17 ડિસેમ્બર અને 11 જાન્યુઆરી આસપાસ પણ શીતલહેરો અનુભવાશે, જે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ કરાવશે.
