Ambalal Patel: છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીની અસર વર્તાઇ રહી છે. શીત લહેરો ફૂંકાવાના કારણે રાત્રે તેમજ દિવસે પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં કેવી ઠંડી રહેશે અને ક્યારે માવઠાની શક્યતા છે તે અંગે જણાવ્યું છે. તેમણે કહ્યું છેકે, હાલ એક નબળો પશ્ચિમ વિક્ષોપ સક્રિય છે, જે ધીમે ધીમે હટી જતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. એટલું જ નહીં, ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે 24થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની પણ સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, વર્તમાન નબળો પશ્ચિમ વિક્ષોપ ધીમે ધીમે હટી જશે, જેના પરિણામે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેવા કે પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત પંચમહાલના ભાગોમાં ઠંડીનો અનુભવ વધુ થશે. આ વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૧૨ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે.
ડિસેમ્બરના અંતમાં હવામાન પલટાશે, માવઠાની શક્યતા
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, 18 થી 24 ડિસેમ્બરની આસપાસ ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે. આ અસરના કારણે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે. આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ થઈ શકે છે.
ઉત્તરાયણમાં પણ ઠંડા પવનોનો અનુભવ
હવામાન નિષ્ણાતના મતે, હવે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને મહત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળશે. ઠંડા પવનોની અસર પણ જણાશે, જે આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે. ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે અને ઠંડા પવનોનો અનુભવ થશે.
