Analogue Paneer: અમદાવાદમાં એનાલોગ પનીર વિરુદ્ધ AMCની સઘન ઝૂંબેશ, એકમનું લાયસન્સ રદ્દ કરવાની ચીમકી

AMC એ અમદાવાદમાં એનાલોગ પનીર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેમાં દૂધને બદલે પામ તેલનો ઉપયોગ કરીને બનેલા પનીરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે 218 નમૂનાઓમાંથી 57 સબ-સ્ટાન્ડર્ડ પનીર શોધી કાઢ્યા છે અને ઉલ્લંઘન કરનારાઓના લાયસન્સ રદ કરવાની ચેતવણી આપી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 06 Aug 2026 06:59 PM (IST)Updated: Thu, 06 Aug 2026 06:59 PM (IST)
amc-cracks-down-on-analog-paneer-in-ahmedabad-licenses-at-risk
HIGHLIGHTS
  • AMCના ફૂડ વિભાગે પનીરના 22 સેમ્પલો લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા

Ahmedabad: શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર આજથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બાદ AMCના હેલ્થ ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ખાદ્ય વ્યવસાયિક એકમો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે

હકીકતમાં એનાલોગ પનીરએ અસલ દૂધના પનીર જેવું દેખાય છે, પરંતુ તે દૂધને બદલે પામ તેલ અથવા અન્ય વેજીટેબલ ઓઈલ, સ્ટાર્ચ, પ્રિઝર્વેટિવ્સ અને ફ્લેવરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પ્રકારનું પનીર આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

હેલ્થ ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 6 મહિનામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પનીરના 218 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા 218 સેમ્પલમાંથી 57 સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે પૈકી 23 નમૂનાઓમાં એનાલોગ પનીર મળી આવ્યો છે.

જ્યારે 34 સેમ્પલમાં મિલ્ક ફેટનું પ્રમાણ વધારે કે ઓછું જોવા મળ્યું છે. આ તમામ કિસ્સાઓમાં કાયદાની કલમ 51 અને 52 હેઠળ કેસો દાખલ કરવામાં આવ્યા છે, જેમાં રૂ. 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે.

વિવિધ એકમોમાં તપાસ કરીને પનીરના 22 સેમ્પલ તપાસ અર્થે મોકલાયા

આજ રોજ પણ ફૂડ વિભાગ દ્વારા પનીરના વધુ 22 નમૂનાઓ લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના તમામ ઉત્પાદકો, હોલસેલરો, રિટેલર્સ, હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરર્સને તાકીદ કરી છે કે, જો મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ થતો જણાશે તો ધંધાકીય સ્થળનું લાયસન્સ રદ કરવામાં આવશે. તેમજ એકમને સીલ કરી દેવામાં આવશે. જો જરૂર જણાશે તો કોર્ટમાં કેસ દાખલ કરીને કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

વધુમાં તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ એકમ સામે FSSAI અને GPMC એક્ટ અંતર્ગત કોઈ પણ પ્રકારની રહેમરાહ રાખ્યા વગર પગલાં લેવામાં આવશે.