UpdatedIST

Ahmedabad: પરીક્ષાને ધ્યાનમાં રાખી AMCએ 8 PGના સીલ ખોલ્યા, સંચાલકોએ લેખિત બાંહેધરી આપી; પ્રેમચંદનગરના સ્થાનિકોએ કર્યો વિરોધ

PG સંચાલકોની બાહેંધરી લઈને AMC દ્વારા દંડ વસૂલ કરી 8 મકાનોના સીલ ખોલી આપવામાં આવ્યા. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 22 Feb 2026 02:18 PM (IST)Updated: Sun 22 Feb 2026 02:18 PM (IST)
amc-unsealed-8-houses-taking-assurance-of-pg-managers-and-fine-696583
HIGHLIGHTS
  • AMC તંત્રએ 8 મકાનોના સીલ ખોલી આપ્યા
  • PG સંચાલકો પાસેથી બાહેંધરી અને દંડ લીધો
  • નવા કાયદા બનાવવા PG સંચાલકોની રજૂઆત

Ahmedabad Illegal PG: અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતા PG સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ હેઠળ તાજેતરમાં 65 જેટલા PG ને મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં સંચાલકોની બાહેંધરી લઈને AMC દ્વારા દંડ વસૂલ કરી 8 મકાનોના સીલ ખોલી આપવામાં આવ્યા છે. 

PG સંચાલકો મનપા સમક્ષ કરી રજૂઆત

તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગર અને ગોતામાં આનંદવિહાર સોસાયટીમાં મંજૂરી વગર ચાલતા 65 જેટલા PG ને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, PG સંચાલકો અને કેટલીક સોસાયટીના રહીશો દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં લઈને સીલ ખોલી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

બાંહેધરી લઈ AMCએ 8 PGના સીલ ખોલ્યા

આ રજૂઆતને ધ્યાનમાં લઈને ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 8 મકાનોના સીલ ખોલી આપવામાં આવ્યા છે. સાથે જ PG સંચાલકો પાસેથી દંડ વસૂલ કરી આ મકાનનો ભવિષ્યમાં PG તરીકે ઉપયોગમાં નહીં લેવામાં આવે તેવી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાહેંધરી લેવામાં આવી હતી. બીજી તરફ AMC દ્વારા પ્રેમચંદ નગરમાં મકાનો ખોલી આપવામાં આવતા વિરોધ થયો હતો. સ્થાનિક લોકો દ્વારા ઢોલ-નગારા વગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

'એક લાખ લોકો રોડ પર આવી જશે' : PG સંચાલક 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે PG સંચાલકો દ્વારા ડે. મ્યુનિસિપલ કમિશનરને મળીને PG સીલ ન કરવા અંગે રજૂઆત કરી હતી. PG સંચાલકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરતા કહ્યું કે, હાલમાં હોસ્ટેલના નિયમો પ્રમાણે PG સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આવી કાર્યવાહીથી એક લાખ કરતા વધુ લોકો રોડ પર આવી જશે. જો PG કારણે ક્યાંક ન્યુસન્સ થતું હોય તો તે PG સીલ કરવા જોઈએ.

PG અંગે નવા કાયદા બનાવવા રજૂઆત

બધા જ PG આ રીતે સીલ ન મારવા અને નવા કાયદા બનાવવા અંગે સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ડે. મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું કે નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે, હોસ્ટેલ, લોજ અને બોર્ડિંગને જ PG માન્ય ગણવામાં આવશે. આ પ્રકારના કાયદાનું અમલ ન કરવામાં આવે તો આગામી સમયમાં પણ રહેણાંક મકાનમાં ચાલતા PG ને સીલ મારવાની કાર્યવાહી ચાલી રહેશે.