Ahmedabad News: દેશભરમાં ચર્ચા જગાવનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 94 વર્ષ જૂની વી. એસ. હોસ્પિટલના ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં નાણાંકીય ગેરરીતિ અને ફરજમાં બેદરકારી બદલ આખરે ચાર્જશીટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં પૂર્વ સુપ્રિટેન્ડન્ટ ડો. મનીષ પટેલ અને સસ્પેન્ડેડ ડો. દેવાંગ રાણા સહિતના આરોપીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
કૌભાંડના મુખ્ય નાણાંકીય પાસાઓ પર નજર કરીએ તો, હોસ્પિટલમાં પૂર્ણ થયેલી 48 ક્લિનિકલ ટ્રાયલ પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂપિયા 1.82 કરોડની રકમ મળવાપાત્ર હતી. જોકે, આ આંકડા સામે હોસ્પિટલના ખાતામાં માત્ર રૂપિયા 10.63 લાખ જ જમા કરાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જે ગંભીર નાણાંકીય ગેરરીતિ સૂચવે છે.
વર્તમાન અધિકારીઓ સામે પગલાં
આ કૌભાંડમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ હોસ્પિટલના હાલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહ ઉપરાંત આર. એમ. ઓ. કૌશિક બેગડા અને પ્રતિક પટેલને પણ શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા રચાયેલી તપાસ સમિતિની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તત્કાલીન હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. મનીષ પટેલે 'ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ-2019'ના નિયમોનું પાલન કર્યું નહોતું. આ કૌભાંડની સંપૂર્ણ તપાસમાં 309 પેજના પુરાવા અને 508 ઇ-મેઇલ સહિતના અન્ય પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડો. મનીષ પટેલનું ત્રણ વખત ઉલટ તપાસ સાથે નિવેદન લેવામાં આવ્યું છે.
સસ્પેન્ડેડ ડૉક્ટર દેવાંગ રાણાની ભૂમિકા
સસ્પેન્ડેડ ડો. દેવાંગ રાણા સામે સમન્સ છે, જેમણે AMC મેટમાંથી VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ માટે નિમણૂક થાય તે પહેલાં જ ટ્રાયલ માટેના એમ. ઓ. યુ. (M.O.U.) પર સહી કરી દીધી હતી. ટ્રાયલના અનઅધિકૃત હોવા છતાં, તેમણે 11 ટ્રાયલમાં રૂપિયા 11.15 લાખ પોતાના ખાતામાં લીધા હતા. આ ઉપરાંત, તેમના પત્નીના ખાતામાં રૂપિયા 1.45 લાખ અને તેમના પારિવારિક ખાતામાં કંપનીઓએ મૌખિક સૂચનાથી રૂપિયા 3.15 લાખ જમા કરાવ્યા હોવાના પુરાવા પણ તપાસ સમિતિ સામે આવ્યા છે. ડોક્ટર પ્રિયંકા રાણાના ખાતામાં પણ ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન રૂપિયા 3.53 લાખ જમા થયા હતા.
રકમ પરત ન કરનારા તબીબો
કૌભાંડ બહાર આવ્યા બાદ 13 તબીબોએ તેમના ખાતામાં જમા થયેલી રકમ હોસ્પિટલને પરત કરી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી વધુ રકમ લેનારા ડોક્ટર ધૈવત શુક્લ અને ડોક્ટર દેવાંગ રાણાએ તેમના ખાતામાં જમા થયેલી રકમ હોસ્પિટલમાં જમા કરાવી નથી. વર્ષ 2020થી 2025 સુધીમાં હોસ્પિટલને કુલ 65 ક્લિનિકલ રિસર્ચના કામ મળ્યા હતા, જેમાંથી 48 ટ્રાયલ પૂરી થઈ હતી. આ સમગ્ર મામલે ચાર્જશીટ રિપોર્ટ તૈયાર થતાં હવે દોષિતો સામે કડક પગલાં લેવાશે તેવું લાગી રહ્યું છે.
