Ahmedabad News: અમદાવાદના દિલ્લી દરવાજા વિસ્તારમાં આવેલા ભાડભુજ દવાખાનામાં બપોરે 4.50થી 4.55 કલાકના સમયગાળા દરમ્યાન અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.
આગની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્ટેશન ઓફિસર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ, મિનિફાયર ફાયટર, વોટર ટેંકર અને બોલેરો સહિતના વાહનો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આ આગ હોસ્પિટલના બેઝમેન્ટમાં રાખેલા કોટન (રૂ)માં લાગી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે બે ફાયર લાઇન તૈયાર કરવામાં આવી હતી. જેમાં 12 જેટલો સ્ટાફ હાજર હતો.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ સ્પષ્ટ થયું નથી. જોકે ઘટના અંગે અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આગના કારણે થયેલા નુકસાનનું અધિકૃત મૂલ્યાંકન તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યા બાદ એસ્ટેટ અને નગર વિકાસ ખાતું મધ્ય ઝોન દ્વારા આગ લાગેલ બાંધકામને સીલ કરવામાં આવ્યું છે.
આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે તમામ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.
