Ahmedabad News: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને મોટી સફળતા મળી છે. પંજાબ રાજ્યમાં આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા અને ગ્રેનેડ તથા હથિયારોની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ગુજરાત ATS દ્વારા હાલોલ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, પંજાબના ગુરદાસપુર જિલ્લાના સિટી બટાલા પોલીસ સ્ટેશનમાં તા. 9-11-2025ના રોજ ગ્રેનેડની હેરાફેરી અને વિસ્ફોટ કરવાના પ્રયાસ બદલ ગુનો નોંધાયો હતો. આ કેસમાં સીમાપાર કાર્યરત આતંકવાદી નેટવર્કની મદદ કરવાનો પણ આરોપ છે.
ISIના ઈશારે પંજાબમાં દહેશત ફેલાવવાનું કાવતરું
તપાસમાં બહાર આવ્યું છે કે, સદર ગુનાના મુખ્ય આરોપીઓ મનુ અગવાન અને મનિન્દર બિલા, જેઓ હાલ મલેશિયામાં સ્થિત છે, તેઓ પાકિસ્તાનની ISIના હેન્ડલરો સાથે મળીને ભારતમાં આ કાવતરું ઘડી રહ્યા હતા. આ આરોપીઓએ પંજાબમાં ઓપરેટિવ્સ તૈયાર કરીને ગ્રેનેડ અને પિસ્ટલ મેળવ્યા હતા. તેમનો ઈરાદો પંજાબ અને અન્ય રાજ્યોમાં દહેશત ફેલાવવા માટે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા અને ફાયરિંગ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે બે ગ્રેનેડ અને બે પિસ્ટલની પિકઅપ અને ડિલિવરી અંગે માહિતીની આપ-લે પણ કરવામાં આવી હતી.
ગુજરાત ATS દ્વારા ઓપરેશન
આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ પંથબિરસિંઘ અને જસકિરતસિંઘની ધરપકડ પંજાબ પોલીસે કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન વોન્ટેડ આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા (રહે. બટાલા) નું નામ ખુલ્યું હતું. પંજાબ પોલીસે આ વોન્ટેડ આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલાની માહિતી ગુજરાત એ.ટી.એસ. સાથે શેર કરી હતી. ગુજરાત એ.ટી.એસ. દ્વારા બાતમી પર વર્કઆઉટ કરતા જાણવા મળ્યું કે આરોપી ગુરપ્રિતસિંઘ ઉર્ફે ગોપી બિલા ગુજરાતના હાલોલ ખાતે આવેલી એક કંપનીમાં ઔધોગિક મજૂર તરીકે કામ કરી રહ્યો છે. ગુજરાત ATSની ટીમ તાત્કાલિક હાલોલ જવા રવાના થઈ હતી. હાલોલની એક હોટલમાં શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા તેણે પોતાનું નામ ગુરપ્રિતસિંઘ જણાવ્યું હતું. વધુ પૂછપરછ માટે તેને ગુજરાત એ.ટી.એસ. અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી ગુરપ્રિતસિંઘે કબૂલાત કરી છે કે તે મનુ અગવાન અને મનિન્દર બિલા સાથે મળીને પંજાબમાં દહેશત ફેલાવવા ગ્રેનેડ હુમલા કરવાના કાવતરામાં સંડોવાયેલો હતો. ગુજરાત એ.ટી.એસ. દ્વારા પકડાયેલા આ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ માટે પંજાબ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
