અમદાવાદના આંબલી-બોપલમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 3.5 કિ.મી. લાંબી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાને આગળ વધારી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 17 Nov 2025 11:15 AM (IST)Updated: Mon 17 Nov 2025 11:15 AM (IST)
gujarat-cm-bhupendra-patel-inaugurates-unity-march-in-ahmedabad-tribute-paid-to-sardar-patel-639531

Bhupendra Patel Unity March Ahmedabad: અમદાવાદમાં સરદાર પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. આંબલીના ખોડિયાર માતાના મંદિરથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ માર્ચનું આયોજન ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કરવામાં આવ્યું છે.

સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 3.5 કિ.મી. લાંબી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાને આગળ વધારી હતી. મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ અને ધારાસભ્યો પણ આ માર્ચમાં જોડાયા હતા.

બોપલથી ઘુમા સુધી યોજાયેલી આ માર્ચમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષકો અને નાગરિકો પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આકર્ષણનું કેન્દ્ર 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ હતો જેને લઈને સહભાગીઓ આગળ વધી રહ્યા હતા. પદયાત્રાના રૂટ પર શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યુનિટી માર્ચનું આયોજન એકતા, રાષ્ટ્ર નિર્માણ અને સ્વદેશીના સંદેશા સાથે કરવામાં આવ્યું હતું.

પદયાત્રામાં જોડાયેલા નાગરિકોને શુભકામના પાઠવું છું

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે જણાવ્યું હતું કે, વિશ્વ નેતા અને આપણા લોક લાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણાસ્ત્રોત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની 150 મી જન્મ જયંતિ ભવ્ય અને ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાન શ્રીએ આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઈસ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ. આ પદયાત્રામાં જોડાયેલા ઘાટલોડિયા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલી

તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલી આપી છે. સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતિક છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી અમિત શાહએ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટ અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે.

ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

આ યુનિટી માર્ચના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ઓફિસ અવર્સ દરમિયાન આયોજન થતા બોપલ ઓવરબ્રિજ નીચે અને વૈષ્ણોદેવી-સરદાર પટેલ રિંગરોડથી બોપલ તરફ જતા રસ્તા પર ભારે ભીડ જોવા મળી હતી. ટ્રાફિક જામમાં ફાયર બ્રિગેડની એક ગાડી પણ ફસાઈ હતી, જેને ખોલવા માટે પોલીસ કર્મચારીઓને જાણ કરાયા છતાં તાત્કાલિક કાર્યવાહી ન થતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૈષ્ણોદેવીથી આવતા વાહનચાલકો માટે રસ્તો બંધ કરી દેવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તેમને ઓફિસે પહોંચવામાં વિલંબ થયો હતો.