ગુજરાત SIR અપડેટ: રાજ્યમાં કેવી ચાલે છે કામગીરી? મંત્રીઓએ સમીક્ષા કરી, BLO અને નાગરિકોને મળ્યા, કાર્યકર્તાઓને આપી સૂચના

BLO અને નાગરિકોને મળી રહ્યાં છે. તેમજ પક્ષના કાર્યકર્તાઓને આ કામગીરી સરળતા અને ઝડપથી આગળ વધે એ માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 23 Nov 2025 04:34 PM (IST)Updated: Sun 23 Nov 2025 04:37 PM (IST)
gujarat-election-sir-campaign-ministers-review-work-meet-blos-and-citizens-643104

Gujarat SIR: ગુજરાતમાં SIRની કામગીરી ચાલી રહી છે. બીએલઓ દ્વારા ફોર્મ આપવામાં આવ્યા છે અને તેને ફરીને પરત લેવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે SIRની કામગીરીને વેગ આપવા મંત્રીઓ મેદાનમાં ઉતર્યા છે. મંત્રીઓ પોતાના મત વિસ્તાર અને અન્ય ક્ષેત્રોમાં જઇ રહ્યાં છે. BLO અને નાગરિકોને મળી રહ્યાં છે. તેમજ પક્ષના કાર્યકર્તાઓને આ કામગીરી સરળતા અને ઝડપથી આગળ વધે એ માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

મનીષાબેન વકીલે વિવિધ વોર્ડમાં કામની સમીક્ષા કરી

મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત વડોદરા શહેર વિધાનસભાના દરેક વોર્ડના બુથ પર BLO અધિકારીઓ હાજર રહી સેવાઓ આપી રહ્યા છે જે દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલે વિધાનસભાના વિવિધ વોર્ડમાં જઈ કામની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે ખૂબ વહેલી તકે વિધાનસભામાં SIR ની કામગીરી પૂર્ણ થાય તે માટે BLO અધિકારી ને મદદ કરવા આપણા કાર્યકરો અને યુવાઓને સહભાગી થવા અપીલ કરુ છું.

ત્રિકમ છાંગાએ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું

રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાએ અંજારની શાળા નંબર 4 તેમજ અંજાર નગરપાલિકા સંચાલિત સીટી સિવિક સેન્ટરની મુલાકાત લઈ SIR કાર્યક્રમ અંતર્ગત BLOની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે કાર્યકરો સાથે જરૂરી ચર્ચા કરી

વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે મતદારયાદી વિશેષ સુધારા અભિયાન (SIR) અંતર્ગત આજરોજ ડાંગ વિધાનસભાના બુથ નંબર 124,198,199 અને 200 ખાતે બુથની મુલાકાત લઈ BLO સાથે સંપર્ક કરી SIRની સઘન કામગીરી થાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.વધુમાં વધુ ફોર્મ સબમિટ થાય તે અંગે કાર્યકરો સાથે જરૂરી ચર્ચા કરી હતી.

કેબિનેટમંત્રી નરેશ પટેલે કામગીરી નિરીક્ષણ કર્યું

કેબિનેટમંત્રી નરેશ પટેલે લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે ચૂંટણીપંચ દ્વારા શરૂ કરવામાં આવેલ SIR અભિયાન અંતર્ગત ખેરગામ, ચીખલી અને ગણદેવી વિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, નાગરિકો સાથે સંવાદ કર્યો તેમજ પ્રક્રિયા વધુ સુગમ અને સરળ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ કામગીરીનું બુથ સ્તરે જઈને નિરીક્ષણ કર્યું

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ ભિલોડા - મેઘરજ વિધાનસભા વિસ્તારમાં આજે SIR (Special Intensive Revision) સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત મતદાર યાદીની કામગીરીનું બુથ સ્તરે જઈને નિરીક્ષણ કર્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને વધુ સુધારેલી, સચોટ અને પારદર્શક બનાવવાનો છે જેથી દરેક પાત્ર નાગરિકને પોતાનો મતાધિકાર પ્રાપ્ત થાય અને કોઈ પણ લાયક મતદાર યાદીમાંથી બહાર ન રહી જાય. જે દરમિયાન સ્થળ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરીની સ્થિતિ, દસ્તાવેજોની ચકાસણી, નવી નોંધણીઓ અને ફેરફારો સંબંધિત પ્રક્રિયાની માહિતી મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

કૌશિક વેકરિયાએ મોટા માચિયાળામાં કામગીરીનું નિરીક્ષણ કર્યું

રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાએ રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી વિશેષ કાર્યક્રમ - SIR વિશેષ ડ્રાઈવ અંતર્ગત અમરેલી વિધાનસભા હેઠળ આવતા મોટા માચિયાળા ગામ ખાતેના બુથ નં.126 અને 127ની કલેક્ટર સાથે મુલાકાત લીધી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતના નાગરિકોની ઓળખ યાદીને સુનિશ્ચિત કરતી આ ડ્રાઈવ મતદાર યાદી સુધારણાનું બહુ મહત્ત્વપૂર્ણ કાર્ય કરશે.

ઇશ્વરસિંહ પટેલે અંકલેશ્વરમાં કામગીરીની સમીક્ષા કરી

રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત અંકલેશ્વર ખાતે યોજાયેલી ડ્રાઈવમા ઉપસ્થિત રહી કામગીરીની સમીક્ષા કરી સૂચનો અને માર્ગદર્શન આપ્યુ.

નાણામંત્રી કનુ દેસાઇએ BLOઓની મુલાકાત લઇ સ્થિતિ જાણી

નાણામંત્રી કનુ દેસાઇએ પારડી વિધાનસભા ક્ષેત્રના મંડળમાં આવતા વાપી મહાનગરપાલિકા શહેરી વિસ્તારના બુથ, વાપી નોટિફાઇડ મંડળના બુથ તેમજ વાપી તાલુકા મંડળના બુથમાં પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સાથે SIRની કામગીરી કરતા BLOઓની મુલાકાત લઈ; જવાબદાર સુપરવાઈઝર સાથે વાતચીત કરી SIR કામગીરીની સ્થિતિ જાણી હતી.