Gujarat SIR: ગુજરાત રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SIR) હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત સ્થિત નિવાસસ્થાને પણ જરૂરી ફોર્મ્સ પહોંચાડવામાં આવ્યા છે. એક તરફ રાજ્યનું નેતૃત્વ લોકશાહીના આ પર્વમાં જોડાઈ રહ્યું છે, તો બીજી તરફ પરપ્રાંતિય શ્રમિકોમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે વતનની વાટ પકડવાનો સિલસિલો શરૂ થયો છે.
PM મોદી અને અમિત શાહના નિવાસસ્થાને વહીવટી કામગીરી
નવેમ્બર માસના પ્રથમ સપ્તાહથી શરૂ થયેલા આ અભિયાનમાં, BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને ચકાસણી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યાં કાયમી સરનામું બોલે છે તેવા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના નિવાસસ્થાને ચૂંટણી પંચના ફોર્મ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે વડાપ્રધાન અચૂકપણે અહીંની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવા આવે છે. આ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓના કાયમી સરનામે પણ ફોર્મ મોકલી આપવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીની લોકશાહીને મજબૂત કરવાની અપીલ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની નાગરિક ફરજ અદા કરતા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ તકે તેમણે રાજ્યના તમામ નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સહભાગી બની, લોકશાહીને વધુ પારદર્શક અને મજબૂત બનાવવા માટે અનુરોધ કર્યો હતો.
પરપ્રાંતિય શ્રમિકો અને ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો
એક તરફ ગુજરાતમાં SIR ની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાં પણ આવી જ પ્રક્રિયાઓ અથવા સ્થાનિક ચૂંટણીલક્ષી ગતિવિધિઓને કારણે શ્રમિક વર્ગમાં દોડધામ મચી છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં ઘરકામ કરતી પરપ્રાંતિય મહિલાઓ અને સોસાયટીઓમાં વોચમેન તરીકે ફરજ બજાવતા પુરુષો મોટી સંખ્યામાં પોતાના વતન જઈ રહ્યા છે. આ શ્રમિકો મતદાર યાદીમાં પોતાનું નામ કાયમ રાખવા અને નોંધણી કરાવવા માટે કામધંધો છોડીને ગામડે જઈ રહ્યા હોવાથી, શહેરી ગૃહિણીઓ અને સોસાયટીના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
