Gujarat Police Reshuffle: ગુજરાતમાં આગામી એકાદ બે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 યોજાનારી છે. જેને લઇને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં છેલ્લા કેટલાક સમયથી મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. રાજ્યના પલીસ વડા દ્વારા 254 પોલીસ ઇન્સ્પેક્ટરના બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. પીએસઆઇમાંથી પીઆઇ બનેલા આ 254 અધિકારીઓને તાત્કાલિક નવી નિમણૂકના સ્થળે ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે
છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે. એ અટકળોનો હવે અંત આવ્યો છે. રાજ્ય પોલીસ વડા દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર 254 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જેમને પોલીસ ઇન્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે. તેમને પોસ્ટિંગ આપવામાં આવી છે અને તાત્કાલિક ફરજ પર હાજર થવા જણાવાયું છે.
વિગત અનુસાર, વર્ગ-3 ના PSI (બિન-હથિયારી)ને વર્ગ-2 ના PI (બિન-હથિયારી) તરીકે બઢતી આપવામાં આવી હતી. જોકે લાંબા સમયથી પ્રમોશન પામેલા અધિકારીઓના પોસ્ટિંગની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે આજે એ 254 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. બઢતી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી નિમણૂકના સ્થળે કોઈપણ રજા ભોગવ્યા વિના હાજર થવાની કડક સૂચના અપાઈ છે.
આ 254 અધિકારીઓની નિમણૂકો રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તેમજ ઇન્ટેલીજન્સ વિભાગ, સી.આઇ.ડી. ક્રાઇમ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ), એસીબી (લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો), નાગરિક સંરક્ષણ દળ અને વિવિધ ગ્રામ્ય તથા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર જેવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એકમોમાં કરવામાં આવી છે.










