Gujarat Weather Today: ગુજરાતમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. શીત લહેરો ફૂંકાવાના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છેકે, બેથી ત્રણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા જણાઇ રહી છે. જેના પગલે ડિસેમ્બર મહિનામાં ખાસ કરીને 21 ડિસેમ્બર બાદ રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. રાત્રીનું તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતા નીચે જઇ શકે છે.
વાદળછાયા વાતવરણથી ખેડૂતોને ડરવાની જરૂ નથી
વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ઉદ્ભવેલી ચિંતા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વાદળછાયા વાતાવરણથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતમાં ઘેરા વાદળો કે મોટા કાતરા બંધાવાની કોઈ શક્યતા નથી. સવાર-સાંજ આકાશમાં કસના સામાન્ય લીસોટા દેખાઈ શકે છે, પરંતુ પાણીમાં ડિસ્ટર્બ કરે એવી કોઈ હમણાં શક્યતાઓ નથી એટલે વાદળછાયા વાતાવરણથી કોઈ ડરવાની જરૂર નથી.
16 ડિસેમ્બરથી પવનની ગતિ વધી શકે
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક દિવસથી પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહી છે. પવન 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાઇ રહ્યો છે. અમુક વિસ્તારોમાં તેની ઝડપ 25 કિ.મી. પ્રતિ કલાક સુધીની રહી છે. આજે 9 ડિસેમ્બર અને આવતીકાલે 10 ડિસેમ્બરના રોજ પવનની ગતિ યથાવત રહી શકે છે. જોકે 11થી 15 ડિસેમ્બર દરમિયાન પવનની ગતિ સામાન્યની નજીક આવી શકે છે. એટલે કે પવન 12થી 14 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે છે. પરંતુ 16 અને 17 ડિસેમ્બરના રોજ ફરી પવનની ગતિ વધી શકે છે.
બે દિવસથી ગુલાબી ઠંડીનો અનુભવ પણ શરૂ થયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળાની શરૂઆત નવેમ્બરમાં થતી હોય છે. જોકે, આ વર્ષે નવેમ્બરમાં તાપમાન સામાન્ય કરતાં નીચું જવાને બદલે થોડું ઊંચું રહ્યું હતું. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થવા આવ્યું છે, અને 7 ડિસેમ્બરથી વાતાવરણમાં નોર્મલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ડિસેમ્બરના શરૂઆતના છ દિવસો દરમિયાન ઠંડીની અસર ઓછી હતી અને તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું. પરંતુ, તાપમાન ડિસેમ્બરની 7 તારીખ પછી જે મુજબનું હોવું જોઈએ, તે મુજબ સામાન્ય સ્તરે સેટ થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી ગુલાબી ઠંડીનો અનુભવ પણ શરૂ થયો છે અને હવે ઠંડીની અસર સારી રીતે જોવા મળી રહી છે.
ઠંડી સામાન્ય કરતાં વધુ વધી શકે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સાથે સાથે, ઉત્તર ભારતમાં પણ યોગ્ય ઠંડીનો માહોલ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને, જમ્મુ-કાશ્મીર, લેહ સહિતના વિસ્તારોમાં ગઈકાલથી શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાવાનું શરૂ થયું છે. ઉત્તર ભારતના પહાડો પર તાપમાન નીચું જતાં, ત્યાંથી આવતા ઉત્તર-પૂર્વના પવનોને કારણે ગુજરાતમાં પણ તાપમાન ઘટે છે. આ જ મુજબ, છેલ્લા બે દિવસથી તાપમાન ઘટવાનું શરૂ થયું છે.
આ પ્રક્રિયા હવે સતત ચાલુ રહેશે. હજુ પણ તાપમાન નીચું જઈ શકે છે અને ઠંડી સામાન્ય કરતાં વધુ વધી શકે છે. અમુક સ્થળોએ, ભલે તાપમાન ઓછું ન હોય, પરંતુ પવનની વધુ ઝડપને કારણે ઠંડીનો અનુભવ વધારે થતો હશે. ઉત્તર ભારતના પહાડો પરથી પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ના ભાગરૂપે, હાલમાં એક સામાન્ય (નબળું) WD પસાર થઈ રહ્યું છે. આના પરિણામે કાશ્મીર સહિતના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે.
રેકોર્ડબ્રેક ઠંડી પડવાની શક્યતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં આગામી સમયમાં બે થી ત્રણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે રેકોર્ડબ્રેક ઠંડી પડવાની શક્યતા છે. હાલ લઘુતમ તાપમાન 11 થી 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે, પરંતુ આગામી થોડા જ દિવસોમાં રાત્રિનું તાપમાન સિંગલ ડિજિટમાં, એટલે કે 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચે પહોંચી શકે છે. ખાસ કરીને 21 થી 31 ડિસેમ્બર સુધીના સમયગાળામાં ઠંડીના જૂના અનેક રેકોર્ડ તૂટવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે લોકોએ હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
