Gujarat Weather Forecast: ગત સપ્તાહે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ ગુજરાતને રીતસરનું ઘમરોળી નાંખ્યું હતુ. જો કે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા આરામ પર ઉતરી ગયા હોય તેમ રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. આજે પણ રાજ્યના 20થી વધુ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વધુ એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.
આજે 22 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો
આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના 22 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી વલસાડના ધરમપુરમાં સવારે 2 કલાકમાં 6 મિ.મી વરસાદનું તોફાની ઝાપટું વરસ્યા બાદ આખો દિવસ કોરો રહ્યો હતો.
ધમરપુર સિવાય ડાંગના સુબિરમાં 5 મિ.મી, તાપીના ઉકઈમાં 5 મિ.મી., મહીસાગરના ખાનપુરમાં 5 મિ.મી., દાહોદના ફતેપુરામાં 4 મિ.મી., સુરતના માંડવીમાં 4 મિ.મી., વલસાડના નાનાપોંઢામાં 4 મિ.મી., સુરતના મહુવામાં 3 મિ.મી., નવસારીના ખેરગામમાં 3 મિ.મી., મહીસાગરના સંતરામપુરમાં 3 મિ.મી વરસાદ વરસ્યો છે.
8 ઓગસ્ટથી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની વકી
હવામાન વિભાગ દ્વારા આગામી 8 અને 9 ઓગસ્ટ એમ બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદનો માહોલ રહી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદની તીવ્રતામાં વધારો થશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદનું યેલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.
