પરેશ ગોસ્વામીની આગાહીઃ 8 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘરાજાનો મધ્યમ રાઉન્ડ, 3 દિવસ અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદી ઝાપટાની વકી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી વરસાદની આગાહી કરી છે. હાલ વરાપનો માહોલ છે, પરંતુ 8 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટાંની શક્યતા છે, જ્યારે ઓગસ્ટના અંતમાં ભારે વરસાદ આવી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 12:00 AM (IST)Updated: Fri, 07 Aug 2026 12:00 AM (IST)
paresh-goswami-rain-update-medium-rainfall-alert-for-10-district-from-8th-august
HIGHLIGHTS
  • બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થતાં ઓગસ્ટના અંતમાં ભારે વરસાદનો રાઉન્ડ

Paresh Goswami Rain Update: હાલના દિવસોમાં મેઘરાજા ઉત્તર ભારતના ભાગોને રીતસરના ઘમરોળી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. અત્યાર સુધીના વરસાદી રાઉન્ડમાં રાજ્યના દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે. જો કે ચોમાસાની સિઝનને બે મહિના થવા આવ્યા હોવા છતાં સૌરાષ્ટ્રમાં વરસાદની અછતને પગલે ખેડૂતોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આવનારા દિવસોમાં વરસાદી માહોલને લઈને મોટી આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, અત્યારે ગુજરાતભરમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં મિશ્ર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. ગુજરાતમાં હાલ તાપમાન સામાન્ય સ્તરે એટલે કે 28 થી 30 ડિગ્રીની રેન્જમાં નોંધાઈ રહ્યું છે, જે આગામી 10 ઓગસ્ટ સુધી યથાવત રહી શકે છે.

તેમજ પવનની ગતિમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે રાજ્યમાં 20 થી 24 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આગામી 10 ઓગસ્ટ સુધી પવનની ગતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. બીજુ આગામી 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નથી.

આમ છતાં આગામી 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જેવા ભાગોમાં છૂટાછવાયા હળવા કે મધ્યમ ઝાપટા વરસી શકે છે. 

ઓગસ્ટના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદના સંકેત

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અરબ સાગર અને બંગાળની ખાડી બન્ને સક્રિય થવાની છે. જેના પગલે ગુજરાતમાં વધુ એકવાર વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળી શકે છે. આ સમયગાળામાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આજે ગુજરાતના 22 તાલુકામાં મેઘમહેર

આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સહેજ તીવ્રતા રહી છે, જ્યારે અન્ય ભાગોમાં મોટાભાગે આકાશ ખુલ્લુ જોવા મળ્યું છે. જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 6 મિ.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય સુબીર, ઉકાઈ અને ખાનપુર તાલુકામાં 5-5 મિ.મી તેમજ ફતેપુરા, માંડવી, નાનાપોંઢામાં 4-4 મિ.મી વરસાદ વરસ્યો છે.