Gujarat Weather Forecast: એપ્રિલ મહિનાના પ્રારંભના 6 દિવસ દરમિયાન રાજ્યમાં બેવડુ હવામાન જોવા મળ્યું છે. દિવસે ગરમીના પ્રકોપની સાથે સાંજે વાતાવરણમાં ઠંડક તો અમુક ભાગોમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળ્યો છે. જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 7 એપ્રિલ 2026ના રોજ પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
7 એપ્રિલ 2026ની હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે 7 એપ્રિલ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 30થી 40 કિ.મી. પ્રતિકલાકની રહી શકે છે.
આગામી ત્રણ દિવસ બાદ ગરમીમાં વધારો થશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, ત્યારપછીના દિવસોમાં તાપમાનમાં ધીમે-ધીમે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આમ, ત્રણ દિવસ સુધી રાહત રહ્યા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર કેવી થશે અસર
હાલની હવામાન પરિસ્થિતિ જોતા, એક નવો પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપે દક્ષિણ કેસ્પિયન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 5.8 થી 9.4 કિમીની ઊંચાઈએ સક્રિય થયો છે. બીજી તરફ, ગઈકાલનો પશ્ચિમી વિક્ષેપ, જે નીચેના અને મધ્ય ટ્રોપોસ્ફિયર સ્તરમાં એક ટ્રફ તરીકે જોવા મળ્યો હતો, તે હવે ઉત્તર તરફ આગળ વધી ગયો છે. આ સિસ્ટમ હવે ગુજરાત માટે બિનઅસરકારક બની ગઈ છે, જેના કારણે રાજ્યના હવામાન પર તેની કોઈ ખાસ અસર જોવા મળશે નહીં.
