Gujarat Weather Forecast: એક તરફ એપ્રિલમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતના માથે ફરી માવઠાનું સંકટ મંડળાઇ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના દરિયાઇ વિસ્તારમાં આગામી 18 એપ્રિલ સુધી ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની આગાહી કરી છે અને 19 તથા 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા
હવામાન વિભાગ અનુસાર આગામી 19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ થઇ શકે છે. તેમજ 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

18 એપ્રિલ સુધી દરિયાઇ વિસ્તારોમાં કેવું રહેશે હવામાન
આ ઉપરાંત 14થી 18 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાઇ વિસ્તારો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે.
ચક્રવાત પરિભ્રમણ હજુ પણ યથાવત
દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેને અડીને આવેલા રાજસ્થાન પર ઉપલા વાતાવરણમાં ચક્રવાત પરિભ્રમણ હજુ પણ યથાવત છે. આ ચક્રવાત સમુદ્ર સપાટીથી1.5 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ હવામાન પ્રણાલીના કારણે પ્રદેશના હવામાન પર અસર જોવા મળી શકે છે, જે આગામી સમયમાં કેટલાક ફેરફારો લાવી શકે છે.
