અમદાવાદ રિવરફ્રન્ટ પર ભયાનક અકસ્માત, થાંભલા સાથે એક્ટિવા અથડાતાં સગીર ભાઈનું મોત, બહેન સારવાર હેઠળ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર ઝડપે જતું મોપેડ સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો. બનાવમાં 17 વર્ષીય કાવ્ય મહેતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેની બહેન હાલ સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ પણ ગંભીર છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 27 Jul 2026 05:39 PM (IST)Updated: Mon, 27 Jul 2026 05:39 PM (IST)
horrific-accident-on-ahmedabad-riverfront-minor-boy-dies-after-activa-crashes-into-a-pole

Ahmedabad Accident: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે એક અત્યંત દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. નવરંગપુરા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર પૂરઝડપે જઈ રહેલું એક મોપેડ સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ અકસ્માતમાં મોપેડ ચલાવી રહેલા 17 વર્ષીય સગીર ભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલી તેની 14 વર્ષની બહેન ગંભીર રીતે ઘવાઈ હતી, જેને સારવાર માટે SVP હોસ્પિટ ખાતે ખસેડવામાં આવી છે. 

માતાની ઓફિસેથી પરત ફરતી વખતે કાળ ભેટ્યો

મળતી માહિતી મુજબ, પાલડી શાંતિવન વિસ્તારમાં રહેતા નિષિધભાઈ મહેતાનો 17 વર્ષીય પુત્ર કાવ્ય મહેતા અને તેની 14 વર્ષની બહેન જૈના મહેતા બપોરના સમયે નવરંગપુરા ખાતે આવેલી તેમની માતાની ઓફિસે ગયા હતા. ત્યાંથી પરત ઘરે જતી વખતે રિવરફ્રન્ટ વેસ્ટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાવ્યએ વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને મોપેડ સીધું જ રોડ સાઈડના થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માત એટલો જોરદાર હતો કે થાંભલા સાથે અથડાયા બાદ ભાઈ-બહેન રોડ પર પટકાયા હતા અને મોપેડ હવામાં ફંગોળાઈને અંદાજે 50 ફૂટ દૂર જઈને પડ્યું હતું. આ સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

ભાઈનું સ્થળ પર જ મોત, બહેન SVPમાં ગંભીર

આ ઘટનામાં કાવ્ય મહેતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બહેન જૈનાને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે SVP હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

બનાવની જાણ થતાં જ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ અને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હાલમાં એ બાબતની તપાસ કરી રહી છે કે મૃતક સગીર પાસે વાહન ચલાવવાનું લાઈસન્સ હતું કે નહીં અને મોપેડ કોના નામે રજિસ્ટર્ડ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જો તપાસમાં સગીરને લાઈસન્સ વિના વાહન આપવા બદલ વાહન માલિક કે વાલીની બેદરકારી સામે આવશે, તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.