Kalol Railway Station: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા કલોલ રેલવે સ્ટેશનનો 'અમૃત ભારત સ્ટેશન યોજના' અંતર્ગત ઝડપભેર પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. લગભગ રૂ.44.22 કરોડના ખર્ચે આ સ્ટેશનને આધુનિક, સુરક્ષિત, સુગમ અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જે મુસાફરો માટે સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો લાવશે. આ પુનર્વિકાસ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની વધતી જતી માંગને પહોંચી વળવા અને તેમને વિશ્વસ્તરીય અનુભવ પૂરો પાડવાનો છે.
શહેરના બંને છેડા અને તમામ પ્લેટફોર્મને જોડતો ભવ્ય ફૂટ ઓવર બ્રિજ
આ પુનર્વિકાસ કાર્યમાં સૌથી મહત્વપૂર્ણ સુવિધાઓ પૈકી એક છે 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ભવ્ય ફૂટ ઓવર બ્રિજ (FOB) નું નિર્માણ. લગભગ 7,000 ચોરસ ફૂટ ક્ષેત્રફળનો આ FOB શહેરના બંને છેડા અને કલોલ સ્ટેશનના તમામ પ્લેટફોર્મને જોડીને મુસાફરોની અવરજવરને અત્યંત સુગમ બનાવશે. આનાથી ટ્રેનની રાહ જોયા વિના અથવા પ્લેટફોર્મ પાર કરવાની જરૂર વગર મુસાફરો સરળતાથી એક છેડેથી બીજા છેડે જઈ શકશે, જે સુરક્ષા અને સુવિધા બંનેમાં વધારો કરશે.
આધુનિક સુવિધાઓ અને વિસ્તૃત માળખાકીય સુવિધાઓ
પુનર્વિકાસના ભાગરૂપે, સ્ટેશન ભવનનું નવનિર્માણ, નવા પ્રવેશ દ્વાર અને પોર્ચ, ભવ્ય ફસાડ, વિસ્તૃત સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે. સ્ટેશન પરિસરમાં સૌંદર્યકરણ માટે આકર્ષક ભીંતચિત્રો (Murals) પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

મુસાફરોની અવરજવરને વધુ સુવિધાજનક બનાવવા માટે 70 અને 80 ચોરસ ફૂટના બે નવા પ્રવેશદ્વાર તથા સમાન કદના બે બહાર નીકળવાના દરવાજા વિકસાવવામાં આવી રહ્યા છે. આ સાથે, લગભગ 14,000 ચોરસ ફૂટનો વિસ્તૃત સ્ટેશન ભવન વિસ્તાર આધુનિક માપદંડો અનુસાર તૈયાર થઈ રહ્યો છે. પ્લેટફોર્મ પર મુસાફરોને ગરમી-વરસાદથી રક્ષણ આપવા માટે લગભગ 20,000 ચોરસ ફૂટનો કવર શેડ અને 2,370 ચોરસ ફૂટનો વિશાળ પ્રતીક્ષા ખંડ (Waiting Hall) આરામદાયક વાતાવરણ પૂરું પાડશે.
સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરાશે
વાહન પાર્કિંગ ક્ષમતા વધારવા માટે 18,750 ચોરસ ફૂટમાં 55 ચાર પૈડા વાહનો અને 110 દ્વિચક્રી વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ વિસ્તરણ, કવર શેડ અને બીજા પ્રવેશદ્વારના વિકાસનું કાર્ય પણ સમાંતર ચાલી રહ્યું છે, જે મુસાફરો માટે વધુ જગ્યા અને સરળ કનેક્ટિવિટી પૂરી પાડશે.
ઝડપી પ્રગતિમાં ચાલી રહ્યું છે કાર્ય
પુનર્વિકાસ કાર્ય હેઠળ અનેક મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે. જૂના સ્ટેશન ભવનને હટાવ્યા બાદ બુકિંગ ઓફિસ, પ્રતીક્ષા ખંડ અને પેનલ રૂમને કામચલાઉ ધોરણે ખસેડવામાં આવ્યા છે. નવા મુખ્ય ભવનનો પાયો, પ્રથમ અને દ્વિતીય માળનું RCC કાર્ય પૂર્ણ થઈ ગયું છે. પ્લાસ્ટર, ટાઈલ્સ અને ફસાડ ક્લેડીંગનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે અન્ય ફિનિશિંગ કાર્યો પ્રગતિમાં છે. સ્કાયવોક અને લિફ્ટના નિર્માણનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે, જે વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે.
કલોલ રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ
- નવા સ્ટેશન બિલ્ડિંગનું RCC કાર્ય (G+2)
- પ્લાસ્ટરિંગ, ટાઇલીંગ અને ફસાડ ક્લેડીંગ
- પ્લેટફોર્મ શેલ્ટરનો મુખ્ય ભાગ
- બુકિંગ ઓફિસ, વેઇટિંગ હોલ અને પેનલ રૂમનું સ્થળાંતર
- નવા પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજાનું માળખું

કલોલ રેલ્વે સ્ટેશન પર ચાલુ કામગીરી
- શહેરના બંને છેડાને જોડતો 40 ફૂટ પહોળો અને 173 ફૂટ લાંબો ફૂટ ઓવર-બ્રિજ
- સ્કાયવોક અને લિફ્ટ
- પરિભ્રમણ વિસ્તાર અને વ્યવસ્થિત પાર્કિંગ
- અંતિમ ફસાડ ફિનિશિંગ અને સ્ટેશનનું સુશોભીકરણ
ચાર નવી ટ્રેનોના સ્ટોપેજથી મુસાફરોની સુવિધામાં વધારો
વર્તમાનમાં, દરરોજ લગભગ 2,000 મુસાફરો કલોલ સ્ટેશનનો ઉપયોગ કરે છે અને 24 ટ્રેનો અહીં નિયમિતપણે ઊભી રહે છે. મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં ચાર મુખ્ય ટ્રેનોના સ્ટોપેજને પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં શામેલ છે:
- ગાડી સંખ્યા 20959/60 વલસાડ–વડનગર એક્સપ્રેસ
- ગાડી સંખ્યા 16507/08 જોધપુર–કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ
- ગાડી સંખ્યા 15269/70 મુઝફ્ફરપુર–સાબરમતી એક્સપ્રેસ
- ગાડી સંખ્યા 12215/16 દિલ્હી સરાય રોહિલ્લા–બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ
આ ચાર ટ્રેનોના સ્ટોપેજથી સ્થાનિક મુસાફરોને વિવિધ દિશાઓમાં મુસાફરી કરવાના વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે, જેનાથી અવરજવર વધુ સુગમ અને સુવિધાજનક બનશે. આનાથી વેપાર, રોજગાર, શિક્ષણ અને ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં મુસાફરી કરતા લોકોને સીધો લાભ મળશે.

ભવિષ્ય માટે સજ્જ કલોલ સ્ટેશન
ભવિષ્યની જરૂરિયાતો અને વિસ્તારની સતત વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને, કલોલ સ્ટેશનને દરરોજ લગભગ 40,000 મુસાફરોની અવરજવરને સંભાળવાની ક્ષમતા અનુસાર વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોથી ફક્ત મુસાફર સુવિધાઓમાં જ વ્યાપક સુધારો નહીં થાય, પરંતુ સ્થાનિક સમુદાયને પણ બહેતર કનેક્ટિવિટીનો લાભ મળશે, જે પ્રાદેશિક વિકાસને વેગ આપશે.
કલોલ સ્ટેશનનો આ પુનર્વિકાસ માત્ર મુસાફરોના અનુભવને જ નહીં સુધારશે, પરંતુ આધુનિક રેલ માળખાકીય સુવિધાઓ દ્વારા પ્રાદેશિક વિકાસને પણ નવી દિશા પ્રદાન કરશે. પુનર્વિકસિત કલોલ સ્ટેશન આવનારા સમયમાં કલોલ અને આસપાસના વિસ્તારો માટે સ્માર્ટ, સુગમ અને આધુનિક રેલ પરિવહનનું મુખ્ય કેન્દ્ર બનશે.
