Gandhinagar Crime News: ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 12 નવેમ્બર, 2025ના રોજ ગુમ થયેલી 9 વર્ષ 11 મહિનાની બાળકીની લાશ 13 નવેમ્બરની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
બાળકી ગુમ થઈ ત્યારથી તે પિતા સાથે શોધખોળમાં પણ જોતરાયો હતો
પ્રાથમિક અનુમાન મુજબ, બાળકીના પાડોશીએ જ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા છે. શંકાસ્પદ પાડોશી ભંગાર વીણવાનો ધંધો કરે છે અને બાળકી ગુમ થઈ ત્યારથી તે પિતા સાથે શોધખોળમાં પણ જોતરાયો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય.
બાળકીની લાશ ઘરની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી મળી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકીની લાશ ઘરની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી મળી આવી હતી. બાળકી ગુમ થયા બાદ પોલીસની ટીમો સતત સક્રિય હોવાથી આરોપીને લાશને અન્ય સ્થળે લઈ જવાનો મોકો મળ્યો ન હતો. મોકો જોઈને તેણે બાજુના ઘરની ઓસરીમાં કોથળો ફેંકી દીધો હોવો જોઈએ.
પાડોશી પર શંકા હતી, પણ તે તેમની જોડે જ ફરતો હોવાથી કોઈ શક થયો નહોતો.
મૃતક બાળકીના એક સ્વજન યુવકે જણાવ્યું હતું કે, તેમને પાડોશી પર શંકા હતી, પણ તે તેમની જોડે જ ફરતો હોવાથી કોઈ શક થયો નહોતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસ અને ડોગ સર્ચ વારંવાર તેના ઘરમાં જ થતું હોવા છતાં તે નકારતો રહ્યો હતો. જોકે, આખરે તેણે હત્યાની કબૂલાત કરી હોવાનું સ્વજને જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બાળકીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ, તે પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા થનારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને FSL તેમજ LCBની ટીમ સાથે તપાસ શરૂ કરી હતી. પરિવારે સરકાર અને પોલીસ સમક્ષ એક જ માગણી કરી છે કે, "જેવી અમારી છોકરી મરી છે ને એવી એને ફાંસીની સજા આલો, બસ." પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધ સઘન કાર્યવાહી શરૂ કરી છે.
