Paresh Goswami Ni Agahi: ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતાં અરબી સમુદ્રના ગુજરાતના છેડા સુધી ભેજની પટ્ટી સક્રિય થઈ હતી.
જેના પરિણામે ત્રણેક દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં પણ વરસ્યા હતા. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અગામી 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતના 11 જેટલા જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી વ્યક્ત કરી છે.
8 માર્ચ પછી ગુજરાતમાં આકરી ગરમી પડશે
આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, મોટાભાગે 15 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં તાપમાન ઊંચુ જતું હોય છે અને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થતો હોય છે. જો કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળ્યું છે. આવતીકાલ 22 ફેબ્રુઆરીથી હજુ પણ 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું જઈ શકે છે. જેના પગલે માર્ચ મહિના પ્રથમ સપ્તાહમાં ખાસ ગરમી નહીં પડે, પરંતુ 8 માર્ચ પછી આકરા ઉનાળાની શરૂઆત થઈ જશે.
ગુજરાત ઉપર અસ્થિરતા સર્જાતા હેવી ઝાકળનો રાઉન્ડ આવશે
અત્યારે ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને હવે પવનની દિશા બદલાવાના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાઈ શકે છે. જેના પગલે 22 ફેબ્રુઆરીથી ગુજરાતના અનેક વિસ્તારમાં ઘાટા ઝાકળની શક્યતા રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હેવી ઝાકળનો રાઉન્ડ રહેશે.
જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા તેમજ કચ્છ જિલ્લામાં વધારે ઝાકળની સંભાવના છે. આ ઝાકળના રાઉન્ડના કારણે જીરુંના પાકને ખતરો છે.
આ સાથે જ આવતીકાલથી 28 ફેબ્રુઆરી સુધીમાં ઝાકળના રાઉન્ડની સાથે-સાથે કોઈ-કોઈ ભાગમાં છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. ખાસ વાત એ છે કે, આ ઝાપટા એકદમ સામાન્ય રહેશે. એટલે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના 11 જિલ્લાઓ ઉપરાંત ગુજરાતના મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા વરસી શકે છે. એટલે કે આ તીવ્ર માવઠું નહીં હોય. આમ છતાં ખેડૂત મિત્રોએ જીરુંના પાકને બચાવવા પ્રયત્ન કરવા જોઈએ.
