Weather Expert Ambalal Patel Predicts: ગુજરાતમાં શિયાળાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો તો દિવસભર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં વધુ એક પલટાની મોટી આગાહી કરી છે.
ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ પછી ગુજરાતનું હવામાન પલટાશે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દેશના ઉત્તર પર્વતીય પ્રદેશમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો હોવાથી ઉત્તર ભારતમાં ભારે હીમ વર્ષા અને કોઈ-કોઈ ભાગમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.
જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં 12 ફેબ્રુઆરીની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે. જે બાદ 18 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. એટલે કે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહથી આગામી માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં ગુજરાતમાં હવામાન પલટો રહી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે-સાથે કોઈ-કોઈ ભાગમાં કમોસમી વરસાદ તો ક્યાંક છાંટા પડી શકે છે.
ગુજરાતના અલગ-અલગ ભાગોમાં કેવું તાપમાન રહેશે?
આગામી 11 ફેબ્રુઆરી સુધી ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, ગાંધીનગર, કચ્છના ભાગોમાં વહેલી સવારે ઠંડક જોવા મળશે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે મહત્તમ તાપમાન ધીમે-ધીમે વધતુ રહેશે.
મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રીની આસપાસ અને મહત્તમ તાપમાન 30 થી 34 ડિગ્રીની આસપાસ, સૌરાષ્ટ્ર અને દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે. આમ એકંદરે માર્ચ સુધી ગુજરાતમાં બેવડી ઋતુ રહી શકે છે.
